પડતર કેસની સંખ્યા ન્યાયતંત્ર માટે મોટો પડકારઃ રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, અદાલતોમાં પેન્ડિંગ કેસને ઘટાડવા એ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જિલ્લા ન્યાયતંત્ર પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, તમામ હિતધારકોએ એકસાથે આવવું જોઈએ અને પડતર કેસોનો ઉકેલ શોધવો જોઈએ. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ન્યાય પ્રણાલીની સારી ઇકોસિસ્ટમ નાગરિકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ.
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, કેસોની પેન્ડન્સી ઘટાડવા માટે રચાયેલી સમિતિએ આ કેસોના ઉકેલ માટે એક એક્શન પ્લાન લાવવા માટે એક રૂપરેખા તૈયાર કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત પૂર્ણ કરી છે. જેમાં પાંચ કામકાજના દિવસોમાં લગભગ એક હજાર કેસનો સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.