નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, વધુ 5 વેટલેન્ડ સાથે ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને હવે 80 થઇ ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ વેટલેન્ડ્સ દિવસના એક દિવસ પહેલા ભારતે તેની રામસર સાઇટ્સની સંખ્યા 75 થી વધારીને 80 કરી દીધી છે. પર્યાવરણ મંત્રીએ રામસર સંમેલનના સેક્રેટરી જનરલ ડૉ. મુસોન્ડા મુમ્બાને મળીને પ્રમાણપત્રો સ્વીકાર્યા હતા.
યાદીમાં નવા ઉમેરાયેલા પાંચ ભારતીય વેટલેન્ડમાં તામિલનાડુના કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ સામેલ છે જ્યારે કર્ણાટકના મગડી કેરે કન્ઝર્વેશન રિઝર્વ, અંકસમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ અને અઘનાશિની એસ્ટ્યુરીનો સમાવેશ થાય છે. ભારતમાં તમિલનાડુમાં સૌથી વધુ 16 રામસર સાઇટ્સ છે.