Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતી નદીમાં ઓક્સિજન લેવલ ઘટતાં અસંખ્ય માછલાં મોતને ભેટ્યા

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં દુષિત પાણી તેમજ ઓક્સિજન ન મળવાને કારણે હજારો માછલીઓના મોત થયાં છે. સાબરમતી નદીનું વહેતું પાણી ન હોવાથી માછલીઓને ઓક્સિજન મળતું નથી. સાબરમતીથી વાસણા સુધી નર્મદાના પાણીથી નદીને ભરેલી રાખવામાં આવે છે. પાણી ભરેલું રહેતું હોવાથી તેમજ નદીમાં પ્રદુષિત પાણી ઠલવાતું હોવાથી નદીનું પાણી પણ દુષિત બન્યુ છે. નદીમાં ઘણી જગ્યાએ પાણી પર લીલ પણ જામી ગયેલી જોવા મળી રહી છે. ઉપરાંત ઘણી જગ્યાએ પાણી પર લીલી વેલ પણ જોવા મળી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. નદીમાં ગંદકી હટાવવા માટે જેમ્બોજેટ મશીનો પણ વસાવાયા છે. પણ અધિકારીઓની લાપરવાહીને કારણે સાબરમતી નદી સ્વચ્છ બનતી નથી.

શહેરનાસાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતું હોવાથી અસંખ્ય માછલાઓ મોતને ભેટ્યા છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે, વાતાવરણમાં હ્યુમિડિટી વધતા પાણીમાંથી ઓક્સિજન ઓછું થતું હોય છે અને તેના કારણે વરસાદ પહેલાની સીઝનમાં માછલીઓ મરવાની ઘટના બનતી હોય છે. હ્યુમિડિટીના કારણે માછલીઓ મરવી તે રૂટિન પ્રક્રિયા છે. અચાનક વરસાદ આવતા માછલાઓ શોકના કારણે પણ મૃત્યુ થતા હોવાનું મ્યુનિ. અધિકારીઓ માની રહ્યા છે. અધિકારીઓના દાવા મુજબ સાબરમતીમાં એક પણ ડ્રેનેજ લાઈનમાંથી પાણી છોડવામાં આવતું નથી. એટલે ત્યાં પ્રદૂષિત પાણી હોવાનો પ્રશ્ન ઉઠતો નથી. તેમ છતા સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.