હે ભગવાન… પહેલા કોરોનાવાયરસ અને પછી હવે નોરોવાયરસ, કેરળમાં નોંધાયા આ વાયરસના કેસ
- નોરોવાયરસના કેસ કેરળમાં નોંધાયા
- પહેલા કોરોનાવાયરસ અને હવે નોરોવાયરસ
- સરકારે જાહેર કરી ગાઈડલાઈન
કેરળ :દેશમાં તથા વિશ્વમાં કોરોનાવાયરસના કરોડો કેસ નોંધાયા પછી હવે ભારતમાં નવા વાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે, ભારતના દક્ષિણમાં આવેલા રાજ્ય કેરળમાં આ નવા પ્રકારના વાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ વાયરસનું નામ છે નોરોવાયરસ. કેરળના વાયનાડ જિલ્લામાં નોરો વાયરસ ચેપના ઘણા કેસની પુષ્ટિ થઈ છે, જે પછી કેરળ સરકારે શુક્રવારે કહ્યું કે લોકોએ આ ચેપી વાયરસ સામે સતર્ક રહેવાની જરૂર છે. બે અઠવાડિયા પહેલા, વાયનાડ જિલ્લાના વિથિરી નજીક પુકોડે ખાતે વેટરનરી કોલેજના લગભગ 13 વિદ્યાર્થીઓમાં એક દુર્લભ નોરો વાયરસ ચેપ જોવા મળ્યો હતો.
આ બાબતે કેરળના સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યોર્જેએ કહ્યું કે,નોરો વાયરસને લઈને માર્ગદર્શિકા જારી કરી છે. હાલમાં નોરો વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. તમામ લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. સુપર ક્લોરીનેશન સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પીવાના પાણીના સ્ત્રોતોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાની જરૂર છે.
વાયરસની અસર વિશે તેમણે તે પણ જણાવ્યું કે આ ચેપથી પીડિત વ્યક્તિમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. યોગ્ય નિવારણ અને સારવારથી ચેપ ઝડપથી મટાડી શકાય છે. તેથી જ દરેક વ્યક્તિએ આ રોગ અને તેના નિવારક પગલાં વિશે જાગૃત રહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે નોરોવાયરસ તંદુરસ્ત લોકોને વધુ અસર કરતું નથી. જો કે, આ વાયરસ નાના બાળકો, વૃદ્ધો અને પહેલાથી ગંભીર રોગથી સંક્રમિત લોકોને વધુ અસર કરે છે. નોરોવાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકના સંપર્ક દ્વારા અને દૂષિત સ્થળોને સ્પર્શ કરવાથી ફેલાય છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા તૈયાર કરાયેલ ખોરાક ખાવાથી પણ ફેલાય છે. એટલું જ નહીં, આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ અને ઉલ્ટી દ્વારા પણ ફેલાય છે.