નવી દિલ્હીઃ શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન માઝી, બંને નાયબ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, ભાજપના સાંસદો અને અન્ય પક્ષના નેતાઓએ ભગવાન જગન્નાથની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી હતી અને ‘મંગલ અલાટી’ વિધિ પછી, ચારેય દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. તેમણે મંદિર પરિસરની ‘પ્રદક્ષિણા’ પણ કરી હતી. આ ઉપરાંત, મંદિરની વર્તમાન તમામ જરૂરિયાતો માટે કોર્પસ ફંડ સ્થાપિત કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. ઓડિશાની નવી ભાજપ સરકારે તેની પ્રથમ કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
મુખ્યમંત્રી માઝીએ કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારે તમામ મંત્રીઓની હાજરીમાં જગન્નાથ પુરીના ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય લીધો હતો. આનાથી ભક્તો ચારેય દરવાજાથી મંદિર સુધી પહોંચી શકશે.’ તમામ મંદિરોના દરવાજા ખોલવા એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાંનું એક વચન હતું. દરવાજા બંધ હોવાથી ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અગાઉની બીજુ જનતા દળ સરકારે કોરોના મહામારી બાદ મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધા હતા અને ભક્તો માત્ર એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. ઘણા સમયથી ભક્તોની માંગ હતી કે તમામ દરવાજા ખોલવામાં આવે.
મુખ્યમંત્રી માઝીએ જણાવ્યું હતું કે, કેબિનેટે મંદિરના સંરક્ષણ અને જાળવણી માટે 500 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો નિર્ણય કર્યો છે. તમામ મંત્રીઓ બુધવારે રાત્રે તીર્થસ્થળ પુરીમાં રોકાયા હતા અને ચાર દરવાજા ખોલવાના સમયે બધા ત્યાં મંદિરમાં હાજર રહ્યાં હતા. CM માઝીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પ્રતિ ક્વિન્ટલ રૂ. 3100 સુધી વધારવા માટે પણ પગલાં લેશે અને સંબંધિત વિભાગને આ માટે ઉકેલ શોધવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત MSP સહિત ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે એક વિશેષ નીતિ “સમૃદ્ધ કૃષિ નીતિ યોજના” બનાવવામાં આવશે.