ઓડિશામાં ઓનલાઈન બાળ શોષણ કેસની તપાસ કરતી CBIની ટીમ ઉપર હુમલો
દિલ્હીઃ ઓડિસાના ઢેંકાનાલમાં સીબીઆઈની ટીમ સાથે મારામારીની ઘટના સામે આવી છે. સીબીઆઈની ટીમ ઓનલાઈન બાળ શોષણ એટલે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં દરોડા પાડવા ગઈ હતી તે સમયે ગુસ્સે થયેલી ભીડએ ટીમ ઉપર હુમલો કરીને માર માર્યો હતો. સ્થાનિક પોલીસે સીબીઆઈ અધિકારીઓને બચાવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સીબીઆઈની ટીમે યુપી, ઓડિશા સહિત દેશના 14 રાજ્યોમાં 77 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ઉત્તરપ્રદેશના જાલૌન, મઉ જેવા નાના જિલ્લાથી લઈને નોઈડા અને ગાઝીયાબાદ જેવા મોટા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. રાજસ્થાનના નાગૌર, જયપુર, અજમેર, તમિલનાડુના કોયમ્બતૂર સહિતના શહેરોમાં પણ સીબીઆઈની ટીમોએ દરોડા પાડીને તપાસ કરી હતી.
સીબીઆઈની ટીમ ઓડિસાના ઢેંકનાલ વિસ્તારમાં ઓનલાઈન બાળ શોષણના કેસની તપાસ માટે પહોંચી હતી. સવારના સમયે ઢેકનાક વિસ્તારમાં સુરેન્દ્ર નાયકના ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતા. સીબીઆઈની ટીમે બપોર સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન કોઈ વાત મુદ્દે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. તેમજ ટોળાએ સીઆઈટીની ટીમને ઘેરી લઈને તેમની ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ લોકોના ટોળાને વિખેરીને સીબીઆઈની ટીમને બચાવી હતી.
સીબીઆઈએ દિલ્હીમાં 19, ઉત્તરપ્રદેશમાં 11, આંધ્રપ્રદેશમાં 2, ગુજરાતમાં 3, પંજાબમાં 4, બિહારમાં 2, હરિયાણામાં 4, ઉડીસામાં 3, તમિલનાડુમાં 5, રાજસ્થાનમાં 4, મહારાષ્ટ્રમાં 3, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશમાં એક-એમ કુલ 77 જગ્યાઓ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.