નવી દિલ્હીઃ ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. 78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપ્યું. તેઓ આજે ભુવનેશ્વરમાં રાજભવન ખાતે રાજ્યપાલ રઘુબર દાસને મળ્યાં અને રાજીનામું આપ્યું હતું.
નવીન પટનાયક છેલ્લા 24 વર્ષમાં એક પણ ચૂંટણી હાર્યા નથી. જો કે આ વખતે તેમને તેમની વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. નવીન પટનાયકે ઓડિશાની હિંજલી અને કાંતાબાંજી સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમણે હિંજલી બેઠક જીતી પણ કાંતાબાંજી બેઠક પર ભાજપના લક્ષ્મણ બેગે તેમને હરાવ્યાં.
- ઓડિશામાં ભાજપની સરકાર
ઓડિશામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. વિધાનસભાની કુલ બેઠકો 147 છે અને બહુમતીનો આંકડો 74 છે. રાજ્યમાં ભાજપને 78, બીજુ જનતા દળને 51, કોંગ્રેસને 14 અને CPIMને 1 બેઠક મળી છે. આ સાથે જ 3 અપક્ષો પણ ચૂંટણી જીત્યા છે. ભાજપે રાજ્યની 21માંથી 20 લોકસભા બેઠકો પણ જીતી છે. જ્યારે કોંગ્રેસને 1 સીટ મળી છે.
- પરિણામ પછી નવીન પટનાયકે શું કહ્યું?
ચૂંટણી પરિણામો આવ્યા બાદ નવીન પટનાયકે કહ્યું કે,તમામ પક્ષોના તમામ વિજયી ઉમેદવારોને મારી શુભેચ્છાઓ. હું બીજુ જનતા દળના તમામ કાર્યકરો અને નેતાઓના કરી પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.