Site icon Revoi.in

ઓડિશાના સીએમ નવીન પટનાયકને જાનથી મારી નાખવાની ધમકી આપતો મળ્યો પત્ર

Social Share

ભુવનેશ્વર:ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. લખનારે પત્રમાં દાવો કર્યો છે કે, મુખ્યમંત્રીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી પટનાયકની સુરક્ષામાં લાગેલા સુરક્ષાકર્મીઓ સંપૂર્ણ રીતે સજાગ થઈ ગયા છે અને તેમની સુરક્ષા વ્યવસ્થા પણ પહેલા કરતા વધુ કડક કરી દેવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, “5 જાન્યુઆરીએ મુખ્યમંત્રી નવીન પટનાયકને એક અનામી પત્ર મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.” આ ધમકીભર્યા પત્ર મળ્યા બાદ રાજ્ય સરકારે તેની તપાસના આદેશ આપ્યા છે. આ પત્ર મુખ્યમંત્રી પટનાયકના નિવાસસ્થાનના સરનામે આવ્યો છે, જે અંગ્રેજીમાં લખાયેલ છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ષડયંત્રનો માસ્ટર માઇન્ડ નાગપુરમાં રહે છે.”

ગૃહ વિભાગના વિશેષ સચિવ ડો.સંતોષ બાલાએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ વિષયની તપાસ કરવા આદેશ આપ્યો છે. બાલાએ એ પણ માહિતી આપી હતી કે, મુખ્યમંત્રી નિવાસસ્થાન, સચિવાલય અને તેમની મુલાકાત દરમિયાન સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સતત આઠમી વખત બીજુ જનતા દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. 73 વર્ષના પટનાયક 26 ડિસેમ્બર 1997થી આ પદ પર છે. ગયા વર્ષે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી, જેમાં બીજુ જનતા દળ ભારે બહુમતીથી જીતી હતી. અને નવીન પટનાયક સતત પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા હતા. 2000માં તેમણે પ્રથમ વખત શપથ લીધા હતા, ત્યારથી તેઓ આ પદ પર રહ્યા છે.

-દેવાંશી