નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભક્ત ચરણ દાસે ઓડિશા કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઓડિશા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.
ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં ભાજપાએ 78 બેઠકો ઉપર જીત મેળવી છે. જ્યારે બીજેડીએ 51 બેઠકો અને કોંગ્રેસ માત્ર 14 સીટો જીતી શકી હતી. આ ઉપરાંત ચાર બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષોનો વિજય થયો હતો. વિધાનસભાની રાજગંગપુર, બાસુદેવપુર, ભવાનીપટના, જી. ઉદયગીરી, બારાબતી-કટક, સનાખેમુંડી, મહાના, ગુનુપુર, બિસમ કટક, રાયગઢ, લક્ષ્મીપુર, જેપોર, પોટાંગી, ચિત્રકોંડા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે.
વિધાનસભાની ચૂંટણીની સાથે ભાજપે લોકસભાની ચૂંટણીમાં પણ બમ્પર જીત મેળવી છે. ભાજપે અહીં લોકસભાની 21માંથી 20 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક સીટ સુધી સીમિત રહી હતી. જો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ બીજેડી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.
2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 23, કોંગ્રેસને નવ, સીપીઆઈ(એમ)ને એક અને એક બેઠક અપક્ષને મળી હતી. આ ચૂંટણીમાં બીજેડીને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને લગભગ 33 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસને 16 ટકા અને અન્યને 6 ટકા વોટ મળ્યા હતા.