Site icon Revoi.in

ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને મિઝોરમના લુંગલી ફાયર સ્ટેશનને મળશે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર

Social Share

નવી દિલ્હીઃ સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2023 માટે સંસ્થાકીય કેટેગરીમાં ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને લુંગલી ફાયર સ્ટેશન, મિઝોરમની પસંદગી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને માન્યતા આપવા અને તેનું સન્માન કરવા માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તરીકે ઓળખાતા વાર્ષિક પુરસ્કારની સ્થાપના કરી છે.

આ પુરસ્કાર દર વર્ષે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી 23મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે છે. આ પુરસ્કાર સંસ્થાના કિસ્સામાં રૂ 51 લાખ રોકડા અને પ્રમાણપત્ર અને વ્યક્તિના કિસ્સામાં રૂ. 5 લાખ રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, દેશે આપત્તિ વ્યવસ્થાપન પદ્ધતિઓ, સજ્જતા, શમન અને પ્રતિભાવ પદ્ધતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે જેના પરિણામે કુદરતી આફતો દરમિયાન જાનહાનિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

વર્ષ-2023ના પુરસ્કાર માટે, 1લી જુલાઈ, 2022થી નામાંકન મંગાવવામાં આવ્યું હતું. વર્ષ 2023 માટેની એવોર્ડ યોજના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. એવોર્ડ યોજનાના પ્રતિભાવરૂપે, સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી 274 માન્ય નામાંકન પ્રાપ્ત થયા હતા.