ભુવનેશ્વર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતિનો તાગ મેળવવા ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળે હાજર અધિકારીઓ ઘટનાની માહિતી લઈ રહ્યા છે.
આ પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મામલાની પૃચ્છા કરી હતી. શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી અને માલ ટ્રેન સાથે અથડાતા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક શનિવારે વધીને 280 પર પહોંચી ગયો. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ પણ થયા છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં ભીષણ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શનિવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વૈષ્ણવે કહ્યું કે મુખ્ય ધ્યાન હવે રાહત અને બચાવ કામગીરી પર છે. તેમણે કહ્યું કે રેલવે સુરક્ષા કમિશનર, દક્ષિણ-પૂર્વ વર્તુળ, ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની તપાસ કરશે.
પીએમ મોદીએ શનિવારે ટ્રેન દુર્ઘટનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવ સ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.