અમદાવાદમાં મુખ્ય રોડ અને ક્રોસ જંકશન પરના 636 CCTV બંધ હાલતમાં, 727 કેમેરા તૂટી ગયા
અમદાવાદઃ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે તમામ મહત્વના જંકશનો અને મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પણ કેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે. અને કેટલા નથી ચાલતા તેની કોઈ જ દરકાર લેવામાં આવતી નથી. શહેરમાં 636 સીસીટીવી બંધ હાલતમાં છે. જ્યારે 727 કેમેરા તૂટી જતાં દૂર કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના કેમેરા ઓવર બ્રિજ, સેન્ટ્રલ વર્જ બ્યુટીફિકેશન, બુલેટ ટ્રેન, મેટ્રો, રોડ રિડેવલપમેન્ટ, રિનોવેશન સહિતના વિકાસના કામોમાં નડતરરૂપ હોવાથી હટાવી દેવાયા છે. સીસીટીવી કેમેરાની મરામત માટે મ્યુનિ. પાસે કોઈ તંત્ર જ નથી. અને પ્રજાના ટેક્સના લાખો રૂપિયા ખર્ચેલા બરબાદ થઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.એ તમામ 84 બ્રિજ પર સીસીટીવી લગાવવા માટે મ્યુનિ. દ્વારા તૈયારી કરવામાં આવી છે, જે અંગેનું ફંડ પણ મ્યુનિ. દ્વારા પુરૂ પાડવામાં આવશે. શહેરમાં અંદાજે 10 ટકા સીસીટીવી બંધ હાલતમાં છે. બાકીના સીસીટીવી કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 84 બ્રિજ ઉપર સીસીટીવી લગાવવા માટે સૂચન કરાયું છે. આ સીસીટીવી લગાવવા પાછળ અંદાજે રૂ. 6 કરોડ જેટલો ખર્ચ થવાની શક્યતા છે. એક સીસીટીવી લગાવવાનો ખર્ચ રૂ. 15 લાખ જેટલો થતો હોય છે. બંધ કેમેરા ચાલુ કરાવવા માટે પોલીસે વારંવાર પત્રો લખ્યા છે.સીસીટીવી બંધ રહેવાના કારણોમાં બીએસએનએલની કનેક્ટિવિટી, વાયર સોર્સ, હાર્ડવેર પ્રોબ્લેમ જેવા વિવિધ ટેકનિકલ કારણો હોવાનું કહેવાય છે. જોકે તે માટે મ્યુનિ.એ અનેક વખત બીએસએનએલને કનેક્ટિવિટીના મામલે દંડ કરી ચૂક્યું છે,
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ મ્યુનિ. દ્વારા એસજી હાઇવે પર વધારે 28 જેટલા કેમેરા લગાવવાની ક્વાયત હાથ ધરાઇ છે. જે અંગે ટેન્ડરની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. જો નેશનલ હાઇવે ઓથોરિટીની મંજૂરી મળશે તો વધારે બીજા સર્વેલન્સ કેમેરા લગાવવાની પણ કામગીરી થઇ શકે છે. નેશનલ હાઇવે ઓથોરિટી પણ ગોતામાં સીસીટીવી મોનિટરિંગ સેલ ઉભો કરે તેવી શક્યતા છે.