અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં મેયર અને ડેપ્યુટી મેડર સહિતના હોદ્દેદારોની વરણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો છે. રાજકોટ શહેરના નવા મેયર તરીકે નયનાબેન પઢેડિયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપાનું શાસન છે, મેયર સહિતના હોદ્દેદારોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા હોદ્દેદારોની પસંદગીને લઈને ભાજપા મોવડી મંડળ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ભાજપના સિનિયર નેતાઓ દ્વારા 1લી સપ્ટેમ્બરના રોજ કોર્પોરેટર અને પદાધિકારીઓ પાસેથી સેન્સ લેવામાં આવી હતી. જે બાદ રાજકોટ ભાજપના આગેવાનોએ યાદી તૈયાર કરીને પ્રદેશ પ્રમુખને આપી હતી. રાજકોટ કોર્પોરેશનના હોદ્દેદારોની પસંદગી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં હોદ્દેદારોની પસંદગીને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. દરમિયાન આજે મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી.
રાજકોટમાં નવા મેયરના નામની જાહેરાત થઇ ચુકી છે. રાજકોટના નવા મેયર નયના પેઢડિયા અને ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકર તથા શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેરના નવા મેયર નયનાબેન પઢેડિયાએ રાજકોટ શહેરના વિકાસના કાર્યોને આગળ વધારો દ્રઢ નિર્ધાર કર્યો હતો.