સાબરકાંઠામાં પેટ્રોલ પંપ સંચાલક પાસેથી લાંચ લેતા તોલમાપ વિભાગના અધિકારી પકડાયા
હિંમતનગરઃ જિલ્લામાં લાંચિયા કર્મચારીઓ પર એસીબી વોચ રાખી રહી છે. ત્યારે રાયગઢ હાઇવે પર આવેલા એક પેટ્રોલપંપ પર સ્ટેમ્પિંગ કરવા મામલે તોલમાપ કર્મચારીએ રૂ 15 હજારની લાંચ લીધી હતી, ત્યારે એસીબીએ રંગેહાથ ઝડપી પાડી કર્મચારીના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી કરતા તેના બેંકમાં ખાતાકીય તપાસ અને લોકરની તપાસ કરતા તેમાંથી 5.70 લાખ રોકડા અને 4.67 લાખના દાગીના સહિ કુલ 10 લાખની મત્તા મળી આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ હિમતનગર-રાયગઢ હાઈવે પર પેટ્રોલ પંપનું સ્ટેમ્પીંગ કરાવવા તોલમાપ વિભાગનો સંપર્ક કરતા સિનિયર નિરીક્ષક હેમંતકુમાર વાવણીએ સ્ટેમ્પીંગ માટે ચકાસણી કરી તેને સીલ મારવાની કામગીરીના રૂપિયા 15 હજારની માંગ કરી હતી. પરંતુ પેટ્રોલપંપ માલિકને આ મંજૂર નહોતું. તેણે આ ઘટના બાદ સાબરકાઠા એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર માહિતી જણાવી હતી. ત્યારે પેટ્રોલપંપના માલિક અને એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને તોલમાપ વિભાગના સિનિયર નિરીક્ષક હેમંતકુમાર વાવણી લાંચની રકમ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા અને એસીબી કચેરી લાવી તેમની વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ એસીબી પીઆઇએ રીમાન્ડ મેળવી હેમંતકુમાર ખીમજીભાઇને સાથે રાખી તેમના બેંકમાં આવેલા એકાઉન્ટ અને લોકરની તપાસ કરી હતી. જેમાંથી સોના ચાંદીના દાગીના, સોનાની લગડીઓ કુલ 140 ગ્રામ, ચાંદીની લગડીઓ કુલ 1860 ગ્રામ મળી કુલ કિં.રૂ.4,67,203 તેમજ રોકડ રકમ રૂ.5,70,000 મળી આવ્યા હતા.