અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ’માં અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યાજવામાં આવ્યા છે. રવિવારે રાજ્યના જિલ્લા મથકોએ રન ફોર વોટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે.ના હસ્તે ‘રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઈ હતી. આ પ્રસંગે સંયુક્ત સીઈઓ પી. ડી. પલસાણા અને એ.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ઔડાના સીઈઓ ડી.પી. દેસાઈ, આરએમસી રવીન્દ્ર ખટાલે, ડે. મ્યુનિ. કમિશનર આઈ. કે. પટેલ તથા રમેશ મેરજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી. શહેરના રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘રન ફોર વોટ’માં અંદાજિત 2500થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકોએ જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. સાબરમતી ઇવેન્ટ સેન્ટર, અટલબ્રિજથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ સ્પોર્ટ્સ સેન્ટર થઈને ત્યાંથી અટલબ્રિજ પરત ફરી હતી.
આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોએ ‘રન ફોર વોટ’ અંતર્ગત દોડ લગાવીને મતદાન જાગૃતિ પ્રસરાવી હતી. સરકારી અધિકારી-કર્મચારીઓએ પણ મતદાન જાગૃતિ અર્થે દોડ લગાવી હતી અને જિલ્લાના સૌ નાગરિકોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી ‘રન ફોર વોટ’ કાર્યક્રમમાં ટીઆઈપીના નોડલ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર સી.એમ.ત્રિવેદી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી નેહાબહેન ગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક મેઘા તેવાર, જિલ્લા અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.