અમદાવાદ મ્યુનિના પદાધિકારીઓ જાપાનના પ્રવાસે જઈ ન શક્યા, માત્ર અધિકારીઓને જ મંજુરી મળી
અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધતો જાય છે. ત્યારે શહેરની ડ્રેનેજ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મ્યુનિ. કોર્પોરેશનને 2100 કરોડ જેટલી જંગી લોન આપવા સંમત થયેલી વર્લ્ડ બેંકનાં આમંત્રણથી મ્યુનિ. કમિશનર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓ રવિવારે જાપાન જવા રવાના થયાં હતા, ત્યારે તેમની સાથે મ્યુનિ.ના પાંચ પદાધિકારીઓને પણ જાપાન જવાની મંજુરી આપવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પાંચ પદાધિકારીઓના જાપાન જવાના ઓરતા અધૂરા રહ્યા હતા. વર્લ્ડ બેન્ક દ્વારા એવી સુચના આપવામાં આવી હતી કે, આ સેમિનાર અધિકારીઓ પુરતો મર્યાદિત છે. એટલે પદાધિકારીઓને જાપાન મોકલવાનો નિર્ણય પડતો મુકવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદ શહેરનું ડ્રેનેજ માળખું અને ગટરનાં ગંદા પાણીને ટ્રીટ કરતાં પ્લાન્ટને આધુનિક બનાવવા માટે 2100 કરોડ જેટલી લોન આપવા વર્લ્ડ બેન્કે સંમતિ દર્શાવી હતી. લોન આપવાની સંમતિ બાદ વર્લ્ડ બેંક દ્વારા મ્યુનિ.નાં ડ્રેનેજ પ્રોજેકટ સાથે સંકળાયેલાં પાંચ અધિકારીઓને વર્લ્ડ બેંકનાં ખર્ચેને જોખમે જાપાનનાં ફ્યુકુવાટા સિટીમાં વર્લ્ડ બેંકનાં ટોકીયો ડેવલપમેન્ટ લર્નિંગ સેન્ટર ખાતે યોજવામાં આવેલાં વોટર મેનેજમેન્ટ એન્ડ ફલડ રિસેલીઅન્સ વિષય ઉપરનાં સેમિનારમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું. દરમિયાન મ્યુનિ.નાં અધિકારીઓને વિદેશ જવા માટે સ્ટે.કમિટીમાં જાણ અને મંજૂરીની દરખાસ્ત મુકવી પડે છે, તે પ્રમાણે જાપાન સેમિનારમાં ભાગ લેવા માટે દરખાસ્ત મુકાતાં સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટે પાંચેક હોદ્દેદારોને પણ જાપાન લઇ જવા માટે સૂચના આપી હતી. પાંચ હોદ્દેદારોનો જાપાન જવાનો અને રહેવા ખાવાનો ખર્ચ મ્યુનિ.તિજોરીમાંથી ચૂકવવાનો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.ના પાંચ અધિકારીઓના જાપાનના પ્રવાસ અંગે વર્લ્ડ બેંકને જાણ કરવાની સાથે સાથે પાંચ હોદ્દેદારોએ તો જાપાન જવા માટે પાસપોર્ટ અને વિઝા સહિતની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. જોકે વર્લ્ડ બેંક તરફથી મ્યુનિ.ને એવી જાણ કરવામાં આવી હતી કે, વર્તમાન સેમિનાર અધિકારીઓ માટે જ છે અને તેમાં કોઇ રાજકીય વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. આગામી સમયમાં રાજકીય વ્યક્તિઓને બોલાવવામાં આવશે ત્યારે હોદ્દેદારો કે ચેરમેન વગેરેને આમંત્રણ આપવામાં આવશે.આ જાણકારી મળતાં પાંચ હોદ્દેદારોનાં જાપાન જવાનાં અરમાન ઉપર પાણી ફરી વળ્યુ હતું, કારણ કે હવે વર્લ્ડ બેંક ક્યારે જાપાન કે અન્ય દેશમાં રાજકીય વ્યક્તિઓ માટે ક્યારે સેમિનાર ગોઠવશે તે નક્કી નથી અને વર્તમાન હોદ્દેદારોની અઢી વર્ષની મુદત પૂરી થઇ જાય તો નવા હોદ્દેદારોને તક મળી જશે. આ વિચારથી વર્તમાન હોદ્દેદારોમાં નિરાશા ફેલાઇ છે. જોકે મ્યુનિ. ભાજપનાં સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે, દરેક ટર્મમાં હોદ્દેદારોને તો ગમેતેમ કરીને દેશવિદેશનાં પ્રવાસે જવાની તક મળી જતી હોય છે, પરંતુ કોર્પોરેટરોને તો કેટલાય વર્ષોથી પ્રવાસ પર પાબંદી છે.