ભૂતકાળમાં બેદરકાર રહેલા અધિકારીઓને ચૂંટણીની જવાબદારીથી દૂર રખાશે
દિલ્હીઃ દેશમાં આગામી મહિનાઓમાં પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન ભુતકાળમાં ચૂંટણી કામગીરીમાં બેદરકાર રહેલા અધિકારીઓને નવી ચૂંટણીમાં જવાબદાર નહીં સોંપવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશના પાંચ રાજયો આસામ, કેરળ, પશ્ર્ચીમ બંગાળ, તામીલનાડુ તથા પુડુચેરીમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ વિધાનસભા ચૂંટણી માટે પંચ તૈયારીઓને આખરી ઓપ આપી જ રહ્યું છે.
રાજયોને મુખ્ય સચિવોને પાઠવેલી માર્ગદર્શિકામાં ચૂંટણી પંચે એમ કહ્યું છે કે ભૂતકાળની ચૂંટણીમાં બેદરકારી સાબીત થઈ હોય તેવા ઉપરાંત જેઓ સામે અશિસ્તની કાર્યવાહી કરવામાં આવી હોય તેવા અધિકારીઓને પણ ચૂંટણી જવાબદારી સોંપવી નહીં. આ સિવાય આવતા છ મહિનામાં નિવૃત થતા અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવાનું સૂચવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, હજુ સુધી એક વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.