Site icon Revoi.in

ધો. 6થી8ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો 15મી ઓગસ્ટ બાદ શરૂ કરવાની શક્યતા

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની  મંજુરી આપ્યા બાદ ધો. 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપી હતી. ત્યારબાદ ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવાની માગ ઊઠી હતી. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે આજે જણાવ્યું હતું કે, તબક્કાવાર રીતે વર્ગ ચાલુ કરવામાં આવશે. આગામી તા. 9મી ઓગસ્ટ બાદ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. એટલે સંભવત તા. 15મી ઓગસ્ટ બાદ ધો. 6થી8ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, 9 ઓગસ્ટ સુધી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઊજવણી કરવામાં આવશે. ત્યાર બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવશે. તબક્કવાર વર્ગ ચાલુ કરવાની વાત હતી તેનું અમે પાલન કર્યું છે. ધોરણ 12 અને તે બાદ 9થી 11ના વર્ગ ચાલુ છે. ત્યારે હવે ટૂંક સમયમાં 6થી 8ના વર્ગ ચાલુ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. તે અંગે કેટલીક સ્કૂલ પાલન કરતી નથી જેની ફરિયાદ મળી છે. આ ફરિયાદની તપાસ કરવામાં આવશે અને 25 ટકા ફી માફીનું પાલન કરાવવામાં આવશે. ધોરણ 10ના CBSE બોર્ડના પરિણામ અંગે તેમણે કહ્યું કે, અમે CBSE બોર્ડ કરતા આગળ છીએ. અમે પહેલા પરિણામ જાહેર કર્યું હતું ત્યારે CBSE બોર્ડે હવે પરિણામ જાહેર કર્યું છે.

અગાઉ કોર કમિટીના બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં 26 તારીખ જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપી હતી. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી થયા છે, સાથે જ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

સરકાર દ્વાર લેવાયેલા નિર્ણય મુજબ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું ફરજિયાત કરાયું હતું. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રખાઈ છે. ઓફલાઈન વર્ગોમાં કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.