Site icon Revoi.in

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, સરકારનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો અને સ્કુલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે.

રાજ્યમાં આવતીકાલે શુક્રવારથી ધો-9થી 12ની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થવાની હતી. બીજી તરફ કોરોનાના કેસ વધતા વાલીઓ ચિંતામાં મુકાયાં હતા. તેમજ પરીક્ષા મોકુફ રાખવા અને ઓનલાઈન એજ્યુકેશન ફરીથી શરૂ કરવા માંગણી કરી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ-કોલેજોમાં પરીક્ષા અને શિક્ષણને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણની ચિંતા કરીને આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં શિક્ષણ કાર્યને લઈને મહત્વના નિર્ણય લેવાયાં છે. તે મુજબ કોલેજ-યુનિવર્સિટીઓમાં સ્થાનકકક્ષાની ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ મોકુલ રાખવામાં આવ્યો છે. 10મી એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવશે. યુનિવર્સિટીની હોસ્ટેલ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ તેમના ઓનલાઈન એજ્યુકેશન મેળવશે.

રાજ્યના આઠ મહાનગરવાલિકા વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય આવતીકાલથી બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ઓફલાઈન શિક્ષણ આ મનપાઓમાં 10મી એપ્રિલ સુધી બંધ રહેશે. પ્રાથમિક શાળાઓમાં હાલના સમયપત્રક મુજબ ઓનલાઈન પરીક્ષા લેવાશે. આઠ મનપા સિવાય ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ચાલુ રહેશે. તેમજ પ્રથમ પરીક્ષા તેના નિયમ કાર્યક્રમ મુજબ તા. 19થી 27મી માર્ચ સુધી લેવાશે. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ અને સમયપત્રક મુજબ ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. પ્રત્યક્ષ શિક્ષણની પદ્ધતિ યથાવત રહેશે.