- શિક્ષણમંત્રીએ કરી જાહેરાત
- સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ
- કોરોના નિયંત્રણમાં આવતા સરકારનો નિર્ણય
અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે સરકાર દ્વારા શિક્ષણ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવી હતી. પણ હવે દેશમાં તથા રાજ્યમાં કોરોનાવાયરસની સમસ્યા નિયંત્રણમાં આવી છે, આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં સોમવારથી સંપૂર્ણપણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.
આ સાથે જ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ માટેના કેટલાક પ્રતિબંધ પણ આ SOP માં હટાવવામાં આવ્યા હોવાનું પણ ઉમેર્યું છે. આ તમામ બાબતે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ખાનગી બસમાં 100 ટકાની છુટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગઈકાલે કોરોનાની નવી ગાઈડલાઈન અને શિક્ષણ સિવાય અન્ય નિર્ણય લેવામાં આવ્યા જેમાં હવે 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે.
જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય એ માટે રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. જેનો અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.