નવી દિલ્હીઃ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને જોતા હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર 17 થી 19 મે સુધી બંધ રાખવામાં આવશે. એમ ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર સુમિત પંતે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. આ નિર્ણય ધામોમાં પહેલાથી નોંધાયેલા યાત્રિકોની સુરક્ષા અને સુવિધાજનક દર્શનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, સરકારે ચારધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત કરી છે, જેથી ભક્તો નોંધણીની તારીખે આરામથી દર્શન કરી શકે. આ ક્રમમાં ધામોમાં ટોકન સાથે દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી રહ્યો છે. ભક્તોને અપીલ છે કે તેઓ નોંધણી કરાવ્યા વિના મુસાફરી ન કરે અને તેમની નોંધાયેલ તારીખે જ ધામમાં પહોંચે.