Site icon Revoi.in

તમારી કારમાંથી ઓઈલ ટપકે છે, કહીને ગઠિયો 2.80 લાખની મત્તા ઉઠાવી ગયો

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોરી કરનારાઓ અવનવી તરકિબો અજમાવીને તસ્કરી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરના ઓઢવ અને વટવા વિસ્તારથી આવી બે ઘટનાઓ બની હતી. જેમાં ઠગોએ વાતો બનાવીને પૈસા અને મતાની લૂંટ કરી હતીં. ઓઢવ વિસ્તારમાં બે શખસોએ ગાડીમાંથી ઓઈલ ટપકે છે કહીને ગાડી ઉભી રખાવી હતી અને કારચાલકની નજર ચૂકવીને સીટ પર પડેલી બેગ લઈને પલાયન થઈ ગયા હતા. આ બેગમાં લગભગ 2.80 લાખ રુપિયાની મતા હતી. બીજા બનાવમાં શહેરના વટવામાં એક ડોક્ટરના ક્લિનિકમાં અજાણ્યો શખસ પહોંચ્યો હતો અને કામવાળા બહેન પાસે વિઝિટિંગ કાર્ડ માંગ્યુ હતું. તેઓ વિઝિટિંગ કાર્ડ લેવા ગયા તે દરમિયાન ડ્રોઅરમાંથી 53 હજાર રુપિયા લઈને પલાયન થઈ ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા વિકેશ હર્ષદભાઈ પટેલ શનિવારે સાંજે સાત વાગ્યે પોતાની ગાડી લઈને ઓઢવ સિંગરવા રિંગ રોડ નજીક પહોંચ્યા હતા. તેઓ જ્યારે નિર્મિત સ્ક્વેર કોમ્પલેક્સ પાસે પહોંચ્યા તો તેમની ગાડી પાસે એક બાઈક આવ્યુ જેમાં બે યુવક સવાર હતા. બન્ને યુવકોએ વિકેશભાઈને કહ્યું કે, ગાડીમાંથી ઓઈલ ટપકે છે. આ સાંભળીને વિકેશભાઈએ ગાડી સાઈડ પર લીધી અને ગાડી ચેક કરવા નીચે ઉતર્યા હતા. તેઓ જ્યારે પોતાની ગાડી ચેક કરી રહ્યા હતા ત્યારે બન્ને વ્યક્તિએ નજર ચૂકવીને સીટ પર મૂકેલી બેગ ઉઠાવી અને ભાગી ગયા. બેગમાં એપલ કંપનીનું લેપટોપ, 1.40 લાખ રોકડા હતા, કુલ મળીને 2.80 લાખની મતા હતી. આ બાબતે વિકેશભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઓઢવ પોલીસે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ શરૂ કરી હતી.

અન્ય એક ઘટના વટવા વિસ્તારમાં બની હતી. અહીં ડોક્ટર રિતેષબાઈ પટેલનું શ્યામ ક્લિનિક છે. ક્લિનિકમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિ આવ્યો હતો. તે સમયે ક્લિનિકમાં કામ કરતા બહેન સફાઈ કરી રહ્યા હતા. ડોક્ટર હાજર ના હોવાને કારણે તે વ્યક્તિએ કામવાળા બહેન પાસેથી વિઝિટિંગ કાર્ડ માંગ્યુ હતું. કામવાળા બહેન જ્યારે કાર્ડ લેવા ગયા તો વ્યક્તિએ નજર ચૂકવીને કેબિનમાં પડેલા 53 હજાર રુપિયા ચોરી કરી લીધા અને પલાયન થઈ ગયો હતો. આ બાબતે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.