ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ,જાણો શું છે કારણ
- પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ
- રૂ .500ના દંડ સહિતની કાર્યવાહી કરતું જીએમબી
- અગાઉ પણ 9 બોટો સામે કરવામાં આવી હતી કાર્યવાહી
ઓખા: દેશના પશ્ચિમ કિનારે આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે ઓખાથી દરીયાનો રસ્તો એક માત્ર છે. અહી 170 જેટલી પેસેન્જર બોટો ચાલે છે જેનું સંચાલન ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજરોજ વધુ 5 બોટોના પરવાના આઠ દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.
વાત એવી છે કે અહીં તહેવારો અને રજાઓમા ટ્રાફિક વધુ રહેતા બોટમાં નિયમોનું પાલન ન કરતા પરવાના રદ કરવામાં આવ્યા છે. કેપેસિટી કરતા વધુ પેસેન્જર ભરવા, વધુ ભાડુ લેવું, ગેરવર્તન જેવા મુદ્દાને લઈને બોટોના પરવાના રદ કરવામાં આવ્યા છે. આ સાથે રૂ .500નો દંડ સહિતની કાર્યવાહી જીએમબી દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 9 બોટો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે ક્યારેક બોટના માલિકો વધારે રૂપિયાની લાલચમાં વધારે પેસેન્જર ભરતા હોય છે અને તેના કારણે પ્રવાસીઓના જીવનું જોખમ પણ વધે છે. કોઈ પણ પ્રવાસીના જીવ જોખમમાં ન આવે તે માટે તંત્ર દ્વારા આ પગલા લેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.