Site icon Revoi.in

કોરોનાના સમયે બંધ કરાયેલી ઓખા-નાથદ્વારા સાપ્તાહિક ટ્રેન 10મી ઓગસ્ટથી ફરીવાર દોડશે

Social Share

રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા કોરોના કાળ દરમિયાન અનેક ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાનો કાળ પૂર્ણ થતાં અને જનજીવન પણ રાબેતા મુજબનું બની જતાં બંધ કરાયેલી ટ્રેનો પુનઃ શરૂ કરવાની માગ ઊઠી હતી. આખરે રેલવેના સત્તાધિશોએ  ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન 10 ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનું બુકીંગ પણ 4 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.   ટ્રેન નંબર 19575 ઓખા – નાથદ્વારા એક્સપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે 12.41 વાગે પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા પહોંચશે.  એ જ રીતે ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 વાગ્યે અને ઓખા સાંજે 18:55 વાગે પહોંચશે. આ ટ્રેન 11 ઓગસ્ટ, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન  દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ અને માવલી​​સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. ટ્રેનમાં કુલ 23 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 9 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે. ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વાર એક્સપ્રેસમાં ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટ, 2022થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા અનુરોધ કર્યો છે.