અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂ. 32919 કરોડની જોગવાઈ કરી છે. બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1207 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવામાં આવશે. આ માટે રૂ. 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
રાજ્ય સરકારના બજેટ અનુસાર ધો-1થી 8માં અભ્યાસ કરતા 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. 1044 કરોડની જોગવાઇ કરાઈ છે. આ ઉપરાંત રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. 567 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂ. ૨૮૭ કરોડની રાહત પૂરી પાડવામાં આવશે.
રાજ્યમાં 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસના ફ્રી પાસ કન્સેશન અપાશે. કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા 19 લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવામાં આવશે. વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઇ કરાઈ છે. 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ. 10 કરોડની જોગવાઇ કરાઈ છે.