ઓલિમ્પિયન મીરાબાઈ ચાનુની પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ – કહ્યું ‘મારા મણીપુરને બચાવી લો’
ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે મે મહિનાથી શરુ થયેલો હિંસાનો દોર હાલ પણ જોવા મળે છે ત્યારે આવી સ્થિતિમાં ઓલિમ્પિક મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મણિપુરની સ્થિતિને લઈને ચિંતા જતાવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે મીરાબાઈ ચાનુએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે. તેમણે મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી. મીરાબાઈ ચાનુએ કહ્યું કે મણિપુરમાં વંશીય સંઘર્ષને કારણે ઘણા ખેલાડીઓ તાલીમ શિબિરોમાં ભાગ લઈ શક્યા નથી મીરાબાઈ એ આ રીતે ચિંતા વ્યક્ત કરી હતી.
મીરાબાઈ ચાનુએ એક વીડિયો સંદેશ દ્રારા પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને આ અપીલ કરી છે, એક વિડિયો સંદેશમાં ઓલિમ્પિયન મીરાબાઈ ચાનુએ કહ્યું કે મણિપુરમાં વંશીય સંઘર્ષે ઘણા ખેલાડીઓને તાલીમ શિબિરોમાં ભાગ લેતા અટકાવ્યા છે અને બાળકોના શિક્ષણને પણ ઘણી હદ સુધી અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા લોકોના ઘર બળી ગયા, મણિપુરમાં પણ મારા ઘર છે. હવે હું રાજ્યમાં નથી, હું હવે અમેરિકામાં છું અને વિશ્વ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ માટે મારી જાતને તૈયાર કરી રહી છું. હું મણિપુરમાં ન હોવા છતાં, હું હંમેશા વિચારું છું કે આ સંઘર્ષ ક્યારે ખતમ થશે.