અમેરિકાને પહેલીવાર વન-ડે આતંરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો મળી ગયો છે. આ ઉપરાંત, ઓમાનને પણ વન-ડેનો દરજ્જો મળી ગયો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરી. આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ લીગ- 2ની મેચોમાં ઓમાને પોતાની તમામ 3 અને અમેરિકાએ ત્રણમાંથી 2 મેચોમાં જીત નોંધાવી છે. ઓમાને નામિબિયા, અમેરિકા અને પાછલી વખતે એશિયા કપ રમનારા હોંગકોંગને હરાવ્યું છે.
હોંગકોંગ વિરુદ્ધ મેચ જીત્યા પછી ઓમાનના કેપ્ટન મકસૂદે કહ્યું, “’ટીમ ખુશ છે પરંતુ, અમારું મિશન હજુ પૂરું નથી થયું.” અમેરિકાએ ઝેવિયર માર્શલ (100) અને સ્ટીવન ટેલર (88)ની ઇનિંગ્સના કારણે નિર્ણાયક મેચમાં હોંગકોંગને 84 રને હરાવી દીધું. તે સાથે જ ઝેવિયર અમેરિકા માટે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બની ગયો.
આઇસીસીએ ઓમાન અને અમેરિકાને વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટનો દરજ્જો આપ્યા પછી ટ્વિટ કરીને શુભકામનાઓ પણ આપી. આઇસીસીએ અમેરિકાને કેપ્ટન અમેરિકા, ધ ફર્સ્ટ એવેન્જર્સના પોસ્ટરમાં એડિટ કરીને અભિનંદન આપ્યા. આ ઉપરાંત, ઓમાનને તેમની ટીમનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનંદન આપ્યા.