નવી દિલ્હી: દશકાઓ સુધી કોંગ્રેસમાં રહેલા અને હવે પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ચલાવનારા ગુલામ નબી આઝાદે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા રાત્રે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે. આવું બંને મીડિયા અને જનતાની નજરથી બચવા માટે કરે છે. આઝાદે કહ્યું છે કે આ બંને નેતા રાત્રે પીએમ મોદી અને અમિત શાહને મળવા જાય છે. તેમણે કહ્યુ છે કે અબ્દુલ્લા પિતા-પુત્ર શ્રીનગરમાં કંઈક કહે છે અને જમ્મુમાં કંઈક બીજું કહે છે. જ્યારે બંને દિલ્હી જાય છે, તો એકદમ અલગ ભાષા હોય છે.
આઝાદનો દાવો છે કે ભાજપે જ્યારે પીડીપી સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી હતી, તો તે સમયે નેશનલ કોન્ફરન્સે પણ સાથે જવાની કોશિશ કરી હતી. ડબલ ગેમ રમવાનો આરોપ લગાવતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે પીડીપી અને એનસી બંનેએ ભાજપ સાથે સરકાર બનાવવાની કોશિશ કરી હતી. આઝાદે વધુ એક દાવો કર્યો છે કે કલમ-370ને હટાવતા પહેલા અબ્દુલ્લા પિતા-પુત્રને આની જાણકારી આપવામાં આવી હતી. તેમણે કહ્યુ છે કે 3 ઓગસ્ટ, 2019ના રોજ એક બેઠક પીએમ મોદી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે થઈ હતી.
આઝાદે કહ્યું છે કે ત્યારે એ ચર્ચાઓ હતી કે પીએમ મદી તરફથી અબ્દુલ્લા પિતાપુત્રને ભરોસામાં લેવામાં આવ્યા છે. આ સિવાય આ બંને નેતાઓએ જ પીએમ મોદીને સૂચન કર્યું હતું કે તેઓ ઘાટીમાં નેતાઓને નજરકેદ કરી લે. થોડા દિવસ પહેલા નેશનલ કોન્ફરન્સના ભૂતપૂર્વ નેતા દેવેન્દ્રસિંહ રાણાએ દાવો કર્યો હતો કે અબ્દુલ્લા ઈચ્છતા હતા કે ભાજપની સાથે સરકાર બનાવી લેવામાં આવે. પરંતુ ભાજપે જ ઓફરને ફગાવી દીધી હતી. આઝાદે કહ્યુ છે કે મને ખબર છે કે નેશનલ કોન્ફરન્સને ઘણું મન હતું કે ભાજપની સાથે કાશ્મીરમાં સરકાર બનાવી લેવામાં આવે. તેના પર મેં ગૃહમાં જ પેમ મોદીને જણાવ્યું હતું કે આ કોઈપણ પ્રકારનો રાજકીય પ્રયોગ કરો નહીં.
ગુલામ નબી આઝાદે ખુદને સૌથી મોટા સેક્યુલર ગણાવતા કહ્યુ છે કે હું અબ્દુલ્લાઓની જેમ ફ્રોડ નથી. હું હિંદુ ભાઈઓને મૂર્ખ બનાવવા માટે મંદિર જતો નથી. તેના સિવાય કટ્ટરપંથી મુસ્લિમોને ખુશ કરવા માટે હું પોતાના જ દેશને ગાળો આપતો નથી.તેમણે કહ્યુ છે કે ભલે અબ્દુલ્લાઓને ભાજપ સાથે સરકાર બનાવવામાં નિરાશા હાથ લાગી હતી. પરંતુ મહબૂબા મુફ્તિ પણ બાદમાં ખુશ ન હતા. તેમને લાગતું હતું કે ભાજપની સાથે સરકાર બનાવીને તેમણે ભૂલ કરી છે.