Omicron:બિલ ગેટ્સની ડરામણી ચેતવણી-વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યું છે
- દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો
- ઓમિક્રોનને લઈને બિલ ગેટ્સની ચેતવણી
- વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં
દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે લોકોને ગંભીર રીતે બીમાર ન થવા માટે વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો “મહામારીના સૌથી ખરાબ ભાગ” તરીકે ઉભરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કોરોનાવાયરસનો ઓમિક્રોન પ્રકાર ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે લોકોમાં સંક્રમણ લાવી રહ્યો છે જેમને પહેલાથી રસી આપવામાં આવી છે અથવા જેઓ કોવિડ -19 થી સાજા થઈ ગયા છે.
બિલ ગેટ્સે કહ્યું, ‘હું જાણું છું કે કોવિડના વધુ એક મંડરાતા ખતરા વચ્ચે રજાઓની મોસમનું આગમન નિરાશાજનક છે. પરંતુ તે હંમેશા આવું નહીં રહે. કોઈક દિવસ મહામારી સમાપ્ત થશે અને આપણે એકબીજાની વધુ સારી રીતે કાળજી લઈશું. તે સમય ટૂંક સમયમાં આવશે.’ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ગેટ્સે ટ્વિટ કરીને કહ્યું, એવું લાગતું હતું કે જીવન સામાન્ય થઈ રહ્યું છે, હવે આપણે વૈશ્વિક મહામારીના ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. ઓમિક્રોન આપણને બધાને પ્રભાવિત કરશે. મારા નજીકના મિત્રોને ચેપ લાગ્યો છે અને મેં મારા મોટાભાગના વેકેશન પ્લાન કેન્સલ કરી દીધા છે.
ગેટ્સની સંસ્થા કોવિડ-19 રસી વિકસાવવા અને તેનું વિતરણ કરવાના પ્રયાસનો એક ભાગ છે. તેમણે કહ્યું કે,બૂસ્ટર ડોઝ લેવાથી શ્રેષ્ઠ રક્ષણ મળે છે. ગેટ્સે ટ્વિટ કર્યું, ‘સૌથી મોટી અજાણી વાત એ છે કે,ઓમિક્રોન તમને કેવી રીતે બીમાર કરી શકે છે. જ્યાં સુધી આપણે તેના વિશે વધુ જાણીએ ત્યાં સુધી આપણે આને ગંભીરતાથી લેવું પડશે. ભલે તે ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં તેની અડધી ભયાનકતા હોય પરંતુ આપણે સૌથી ખરાબ ઉછાળો જોઈ શકીએ છીએ કારણ કે તે ખૂબ જ સંક્રામક છે.
બિલ ગેટ્સે વિશ્વને એવા સમયે ચેતવણી આપી છે જ્યારે યુએસમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં તેજી જોવા મળી રહી છે. ગેટ્સે અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘ઓમિક્રોન ઈતિહાસના કોઈપણ વાયરસ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.તે ટૂંક સમયમાં વિશ્વના દરેક દેશમાં હશે.આ સમયે કોવિડ સાવચેતીઓ કેટલી મહત્વપૂર્ણ છે તેના પર ભાર મૂકતા, ગેટ્સે ‘માસ્ક પહેરવા, મોટા ઇન્ડોર સમારોહોથી બચવા અને રસી લેવા’ માટે હાકલ કરી છે.