મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર, મુંબઈમાં 89 ટકા દર્દીઓમાં નવા વેરિએન્ટની પૃષ્ટી -સર્વે
- મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર
- મુંબઈમાં 89 ટકા દર્દીઓમાં નવા વેરિેન્ટની પૃષ્ટિ
મુંબઈઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર જ્યાં પીકઅપ પર છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં નોંધાતા કોરોનાના દર્દીઓમાં મોટા ભાગે ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ વર્તાઈ રહ્યું છે, જેમાં મુંબઈ આ બબાતે મોખરે જોવા મળે છે,મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવેલા સર્વેમાં ભયાનક પરિણામો સામે આવ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, મુંબઈમાં 89 ટકા કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પરીક્ષણ કરાયેલા 280 નમૂનાઓમાંથી 89 ટકા લોકોમાં ઓમિક્રોનનું સંક્રમણ હોવાનું જણાયું હતું. તે જ સમયે, ડેલ્ટા ડેરિવેટિવ આઠ ટકા અને ડેલ્ટા વેરિઅન્ટ ત્રણ ટકામાં જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સર્વે માટે 373 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 280 સેમ્પલ બીએમસી વિસ્તારના હતા. જેમાં 248 સેમ્પલમાં ઓમિક્રોન ઈન્ફેક્શન જોવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કુલ 280 સંક્રમિતોમાંથી 34 ટકા દર્દીઓ, એટલે કે 96 દર્દીઓ 21-40 વર્ષની વય જૂથના હતા. 28 ટકા અથવા 79 દર્દીઓ 41-60 વર્ષની વય જૂથના હતા, જ્યારે 22 દર્દીઓ 20 વર્ષથી નીચેના હતા. તે જ સમયે, 280 દર્દીઓમાંથી, ફક્ત સાત લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જેમાંથી છ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને બે દર્દીઓને આઈસીયુની જરૂર હતી.
તો બીજી તરફ રસીના બંને ડોઝ લેનારા 174 દર્દીઓમાંથી 89 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આમાંથી બે દર્દીઓને ઓક્સિજન સપોર્ટની જરૂર હતી, જ્યારે 15 દર્દીઓને ICUમાં દાખલ કરવા પડ્યા હતા. 99 દર્દીઓએ વેક્સિનના ડોઝ લીધા નહતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ઓમિક્રોનના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના પુરાવા મળી આવ્યા છે. આ રિપોર્ટ એક દિવસ પહેલા જ સ્વાસ્થ્ય મંત્રાલયના સંગઠન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ મુજબ, મુંબઈ અને દિલ્હીમાં ઓમિક્રોનનો સમુદાય ફેલાવો થયો છે.ત્યારે હવે અધિકારીઓએ લોકોને કોરોનાના નિયમોનું કડક રીતે પાલન કરવાની સુચના આપી છે.