- કોરોનાવાયરસથી બાળકોને વધારે ખતરો
- તમામ માતા-પિતાએ સતર્ક રહેવાની જરૂર
- સતર્ક રહેશો તો સલામત રહેશો
મુંબઈ: કોરોનાવાયરસથી બચવા માટે આજે પણ એજ રસ્તો છે જે પહેલા હતો અને તે છે સતર્કતા. કોરોનાવાયરસની પહેલી અને બીજી લહેરથી જે રીતે આપણે સૌ લોકો હેરાન થયા તેને લઈને હવે તમામ લોકોને જાણ થઈ ગઈ હશે કે કોરોનાવાયરસ કેટલો ખતરનાક વાયરસ છે. દેશમાં સૌ કોઈએ સતર્કતા રાખી એટલે હવે કોરોનાવાયરસ આપણા લોકો માટે વધારે ઘાતકીય રહ્યો નથી પરંતુ હજું પણ તેને લઈને બેદરકાર થવાની જરૂર નથી કારણ કે કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન એ બાળકો માટે વધારે ગંભીર સાબિત થઈ શકે છે.
પિંપરી-ચિંચવડના એક જ પરિવારના છ લોકોમાં બે બાળકો છે અને જયપુરના એક જ પરિવારના નવ લોકોમાં બે નાના બાળકો છે. એટલે કે, ઓમિક્રોનથી સંક્રમિત 4 નાના બાળકો આ બે પરિવારોમાંથી મળી આવ્યા છે. પિંપરી-ચિંચવડમાં ઓમિક્રોનથી સંક્રમિત મળી આવેલા છ લોકોમાંથી ત્રણની ઉંમર 18 વર્ષથી ઓછી છે. બે નાના બાળકો છે. આ એક ચિંતાજનક બાબત છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં જેટલા પણ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે, તેમાંથી કોઈએ પણ રસી લીધી નથી.
જાણકારી અનુસાર રવિવારે મહારાષ્ટ્રમાં 7 નવા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. આમાંથી 6 લોકો પિંપરી-ચિંચવડના છે અને 1 વ્યક્તિ પુણેનો છે.
દક્ષિણ આફ્રિકાથી માહિતી બહાર આવી છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને આધેડ વયના લોકોમાં સમાન સંખ્યામાં ઓમિક્રોન ચેપ છે. ચેપગ્રસ્ત બાળકોમાંથી 10 ટકા બાળકોની ઉંમર બે વર્ષથી ઓછી છે. આ સિવાય ઓમિક્રોનનું સંક્રમણ પણ સગર્ભા સ્ત્રીઓમાં ઝડપથી થઈ રહ્યું છે. જો બાળકોને બચાવવા હોય તો દેશમાં બાળકોને રસીકરણ વહેલી તકે શરૂ કરવું પડશે.