- દેશમાં ઓમિક્રોનના કેસ વધ્યા
- દિલ્લી મુંબઈનો સમાવેશ
- 10 ઓમિક્રોન સંક્રમિત લોકો ગુમ
બેંગ્લોર: દેશમાં ઓમિક્રોનના જે રીતે કેસ નોંધવામાં આવ્યા છે તેને લઈને તમામ રાજ્ય પ્રશાસન અને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. લોકોનો એરપોર્ટ પર જ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. આવામાં હવે બન્યું એવું છે કે અત્યાર સુધી સરકાર હજારો લોકોના એરપોર્ટ પર ટેસ્ટ કર્યા પણ ખુબ ઓછી માત્રામાં લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે.
જે લોકો ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થયા છે તેમાંથી કેટલાક લોકો ગુમ થઈ ગયા છે જેના કારણે સરકારની ચિંતા વધી છે સાથે લોકોમાં પણ ચિંતા વધી છે. ચાર રાજ્યોમાં 30થી વધુ વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા પછી તંત્ર સાબદું થઈ ગયું છે અને વિદેશી પ્રવાસીઓનું નિરીક્ષણ સઘન બનાવી દીધું છે. જોકે, બેંગ્લુરુમાં આફ્રિકન દેશોમાંથી આવેલા ૧૦ વિદેશી નાગરિક ગુમ થઈ ગયા છે. એટલું જ નહીં તેમના ફોન પણ બંધ આવી રહ્યા છે.
બેંગ્લુરુમાં ઓમિક્રોનના બે કેસ મળ્યા હતા, જેમાંથી એક દક્ષિણ આફ્રિકાથી આવેલ વિદેશી પ્રવાસી હતો. આ સિવાય આફ્રિકામાંથી ૫૭ વિદેશી પ્રવાસીઓ બેંગ્લુરુ આવ્યા છે. તેમાંથી 10 વિદેશી નાગરિકોની આફ્રિકાના દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે, પરંતુ સ્થાનિક તંત્ર આ લોકોને શોધી શકતું નથી. આ બધાના ફોન બંધ છે. એરપોર્ટ પર જે સરનામું આપ્યું હતું તેના પર પણ તે મળ્યા નથી. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં 125 વિદેશી પ્રવાસીઓ ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતર્યા હતા, પરંતુ તંત્રને તેમની કોઈ માહિતી મળી શકી નથી.
દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાની શંકા હેઠળ 12 દર્દીઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે મુંબઈમાં નવ વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ પ્રવાસીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે કે નહીં તે જાણવા તેમના સેમ્પલ સિક્વન્સિંગ માટે મોકલી દેવાયા છે.