અમેરિકામાં હરણમાં જોવા મળ્યો ઓમિક્રોન વાયરસ
- પ્રાણીઓમાં પણ ઓમિક્રોન વાયરસ જોવા મળ્યો
- અમેરિકામાં હરણમાં ઓમિક્રોન વાયરસ જોવા મળ્યો
- કોરોનાથી પ્રાણીઓને પણ ખતરો
દિલ્હી: કોરોનાવાયરસના નવા વેરિયન્ટ હજુ પણ કેટલા આવશે તેના વિશે કોઈ જાણકારી નથી પણ કોરોનાવાયરસથી પ્રાણીઓ પણ સંક્રમિત થાય છે તે વાત તો સૌ કોઈ જાણતા હશે. હવે અમેરિકામાં ન્યૂયોર્કના સફેદ પૂંછડીવાળા હરણમાં કોરોનાવાયરસનો ઓમિક્રોન પ્રકાર મળી આવ્યો છે. આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલા એક સંશોધનમાં તે જાણવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે આ હરણ SARS-CoV-2-ના વાહક બની ગયા છે અને તેઓ વાયરસના ભવિષ્ય પર અસર કરી શકે છે અને નવા પ્રકારોની મજબૂત શક્યતાઓ હોઈ શકે છે.
જો કે કોરોનાવાયરસના ટેસ્ટ પ્રાણીઓ પર કરવામાં આવ્યા ત્યારે વિશ્વના તમામ દેશમાં પ્રાણીઓ પણ કોરોનાવાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હરણ સરળતાથી કોરોનાવાયરસના સંપર્કમાં આવી શકે છે.
ટીમે સ્ટેટન આઇલેન્ડ પર રહેતા જંગલી હરણના લોહી અને નાકના નમૂનાનું પરીક્ષણ કર્યું હતું. આ નમૂનાઓ ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022 ની વચ્ચે વસ્તીને અસ્થાયી રૂપે નિયંત્રણમાં રાખવા માટે વંધ્યીકરણ કાર્યક્રમ માટે લેવામાં આવ્યા હતા, અને વૈજ્ઞાનિકોએ તેમના પર એન્ટિબોડી અને આરએનએ પરીક્ષણો કર્યા હતા.