Site icon Revoi.in

બલૂચિસ્તાન આઝાદ થવા પર મોદી ભાઈની મૂર્તિ સૌથી પહેલા લાગશે: નાયલા કાદરી

Social Share

નવી દિલ્હી :  જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લાની પ્રાચીર પરથી બલૂચિસ્તાનમાં માનવાધિકારના થઈ રહેલા ઉલ્લંઘનોના મામલે અવાજ બુલંદ કર્યો છે, ત્યારથી ત્યાંના લોકોને એક આશા જાગી છે. બલૂચિસ્તાનમાં ચાલી રહેલા આંદોલનને બળ મળ્યું છે. બલૂચિસ્તાનમાં પીએમ મોદીને હીરો તરીકે પ્રોજેક્ટ કરાઈ રહ્યા છે. આનાથી પાકિસ્તાનની ભ્રમરો વંકાઈ છે. નાયલા કાદરીએ મોદીની પ્રશંસા કરતા તેમને બલૂચિસ્તાનના હીરો ગણાવ્યા છે.

બનારસમાં સંસ્કૃતિ સંસદમાં નાયલા કાદરીએ કહ્યું હતું કે જો બલૂચિસ્તાન આઝાદ થશે, તો ત્યાં સૌથી પહેલા મોદી ભાઈની મૂર્તિ લગાવવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીને બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરીને બલૂચ લોકોની આશા જગાવી દીધી છે અને ત્યાં અમને ભારતથી મદદની દરકાર છે.

નાયલા કાદરીએ કહ્યું હતું કે ભારત સરકાર મંજૂરી આપે તો બલૂચિસ્તાનની નિરાશ્રિત સરકારની રચના વારાણસીમાં જ કરવામાં આવશે. કાદરીએ એમ પણ કહ્યું હતું કે ગત 70 વર્ષોમાં મોદી જ પહેલા એવા વડાપ્રધાન થયા છે, જેમણે સૌથી પહેલા બલૂચિસ્તાનના મુદ્દાને લાલ કિલ્લાના પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

ત્યારથી બલૂચિસ્તાનના લોકોમાં આઝાદીની આશા હિલોળા મારી રહી છે. નાયલાએ પુનરોચ્ચાર કર્યો હતો કે મધ્ય એશિયા સાથે સીધો સંપર્ક બલૂચિસ્તાનના માધ્યમથી જ મળશે અને બલૂચિસ્તાને પોતાના લોહીની આહુતિ આપીને માતા હિંગળાજના મંદિરને હજી સુધી સાચવી રાખ્યું છે. બલૂચિસ્તાની એક કટોરાના પાણીની મદદને સદીઓ સુધી યાદ રાખે છે અને તે એક એવા દેશનું નિર્માણ કરશે કે જે ધર્મનિરપેક્ષ પણ હશે.