હળવદ-માળિયા હાઈવે પર કન્ટેનરે બે બાળકોને અડફેટે લેતા થયા મોત
અમદાવાદઃ મોરબીમાં હળવદ-માળિયા હાઈવે પર આજે રોડ ઉપરથી પસાર થતું કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં બાળકી સહિત બે બાળકોના મોત થયા હતા. અકસ્માત બાદ કન્ટેનર રોડ ઉપર એક તરફ નમી ગયું હતું. આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ-માળિયા હાઈવે પર રણજિતગઢ ગામ નજીક વાડીમાલિક અને ખેતમજુર પરિવાર રોડની સાઈડમાં ઉભો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલા કન્ટેનરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં ઉભેલા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. જે બાદ કન્ટેનર રોડ ઉપર એક તરફ નમી ગયું હતું. આ દૂર્ઘટનામાં સાત વર્ષની બાળકી બિજુરીબેન ભવાનભાઈ છાજિયા અને 15 વર્ષની શર્મિલાબેન કાળુભાઈ છાજિયાનું મોત થયું હતું. આ ઉપરાંત વાડીમાલિક હીરજીભાઈ દલવાડી અને કેન્ટેનર ચાલક અણજિતસિંહ (રહે પંજાબ)ને ઈજા થઈ હતી. શ્રમજીવી પરિવારને નાણાની જરુરિયાત હોવાથી વાડીમાલિક હીરજીભાઈ દલવાડી આવ્યા હતા. અકસ્માત એટલે ગમખ્વાર હતો કે મૃતકોના મૃતદેહ ક્ષત-વિક્ષત થઈ ગયા હતા. માર્ગ અકસ્માતમાં બે બાળકોના મોત થયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ બનાવને પગલે આસપાસના લાકો સ્થળ પર દોડી ગયા હતા. અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.