- જુલાઈમાં જેફ બેઝોસ જશે અંતરિક્ષમાં
- પોતાના સ્પેસક્રાફ્ટમાં ખેડશે સફર
- એમેઝોનના સ્થાપક છે જેફ બેઝોસ
દિલ્લી: દુનિયાના અમીર વ્યક્તિઓમાંના એક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અંતરિક્ષની સફરે જશે. તેઓ 20 જુલાઈના દિવસે પોતાના સ્પેસક્રાફ્ટમાં આ સફર ખેડશે. તેઓ બ્લૂ ઓરિજિનના રોકેટ ન્યૂ શેફર્ડની મેડન સ્પેસ સફરમાં પોતાના ભાઈ અને અન્ય ચાર પ્રવાસીઓ સાથે અવકાશમાં જશે.
બેઝોસે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, ‘હું પાંચ વર્ષનો હતો ત્યારથી અંતરિક્ષમાં સફર કરવાનું સપનું જોઇ રહ્યો છું. 20 જુલાઇના રોજ મારા ભાઇ સાથે હું અંતરિક્ષમાં સફર કરીશ. બ્લૂ ઓરિજિન કંપનીએ અંતરિક્ષમાં સફર કરવા ઇચ્છનારા માટે લાઇવ ઓક્શનની વ્યવસ્થા કરેલી છે.
ન્યૂ શેફર્ડ રોકેટની રચના એ રીતની થયેલી છે કે,તે 6 પ્રવાસીને પૃથ્વીથી 62 માઇલ ઊંચે પહોંચાડીને અંતરિક્ષની સફર કરાવી શકશે. કંપનીએ ગયા મહિના પોતાની પ્રથમ તબક્કાની હરાજી બંધ કરી હતી. તેને 136 દેશોમાંથી 5200 એપ્લિકેશન મળી છે. આ રાઉન્ડમાં બોલાયેલી સૌથી ઊંચી બોલી વિષે કંપનીએ કંઇ જણાવ્યું નહોતું.
હાલમાં બીજા તબક્કાની બોલી લાગી રહી છે. બ્લૂ ઓરિજિનની વેબસાઇટના જણાવ્યા મુજબ બીજા તબક્કામાં 28 લાખ ડોલરની સૌથી ઊંચી બોલાઇ છે. આ પ્રક્રિયા 10 જૂન સુધી ચાલશે. 12 જૂને બોલાનારી ત્રીજી તબક્કાની બોલી સાથે લાઇવ ઓનલાઇન હરાજી પૂરી થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર બ્લૂ ઓરિજિન અંતરિક્ષ પ્રવાસી પાસેથી બે લાખ ડોલર વસૂલી શકે છે. બ્લૂ ઓરિજિન 20 જુલાઇના રોજ પોતાના ન્યૂ શેફર્ડ અંતરિક્ષયાનની મદદથી અંતરિક્ષમાં પ્રથમ સાઇટસિઇંગ ફ્લાઇટનું આયોજન કરી રહી છે. આ પ્રવાસ માત્ર દશ મિનિટનો રહેશે. તે પૈકી ચાર મિનિટની અંતરિક્ષ સૈર કર્માન લાઇનની ઉપરની રહેશે. કર્માન લાઇન તે પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચેની માન્યતાપ્રાપ્ત સરહદ છે.