Site icon Revoi.in

સુરતના પલસાણા રોડ પર પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લઈને 7 કિમી ઢસડતા તણખા ઊડ્યા

Social Share

સુરતઃ શહેર અને જિલ્લામાં બેફામ અને પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પલસા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે બુલેટ બાઈકને અડફેટે લઈને સાત કિમી સુધી ઢસડતા રોડ પર તણખા ઊડ્યા હતા. જો કે આ બનાવમાં બુલેટચાલકનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ કારચાલક રાજકિય પક્ષ સાથે જોડાયેલા હોય તેને બુલેટચાલક સાથે સમાધાન કરી લીધુ હતું પણ આ અકસ્માતનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત  જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે બ્રેઝા કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકે પલસાણાના જોળવાથી સાત કિલોમીટર દૂર કામરેજના ઊંભેળ સુધી બુલેટ ઢસડીને ગયો હતો. બ્રેઝા કારે બુલેટને ઢસડતાં રોડ પર તણખા ઊડ્યા હતા. ત્યારે રસ્તા પર પસાર થતા અન્ય એક કારચાલકે વીડિયો પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં કારના ડેસ્ક પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી કારમાલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની શક્યતા છે. આ અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવી નહતી. બન્ને પક્ષ વચ્ચે ઘટનાની રાત્રે જ સમાધાન થઈ ગયું હતુ. જોકે સોશ્યલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બ્રેઝા કારની બુલેટ સાથે જોરદાર ટક્કર થતાં કારમાં એરબેગ ખૂલી ગઇ હતી. પલસાણાના જોળવાથી કામરેજના ઊંભેળ સુધી બુલેટને ઢસડતા રસ્તા પર સ્પાર્ક પણ થયો હતો.