અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે બે ટ્રક અથડાતા આગ લાગી, બન્ને ટ્રકના ચાલકો ભૂંજાયા
લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો હવે રોજિંદા બની ગયા છે. ત્યારે લીંબડી નજીક હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ એકાએક આગ લાગતા બંને ટ્રક ચાલકો જીવતા ભૂંજાયા હતા. આ બનાવની જાણ થતાં લીંબડી ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળે છે.કે,અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં આગ લાગી હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ટ્રકમાં લાગેલી આગને કારણે બંને ટ્રકના ચાલકોનાં ટ્રકમાં જ સળગી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. કહેવાય છે. કે, બેમાંથી કોઈ એક ટ્રકમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાથી બંને ટ્રક ભડભડ સળગી ઊઠી હતી. બનાવની જાણ થતાં લીંબડી સહિત ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ગોઝારી ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. જ્યારે આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે મહદંશે આગ પર કાબૂ મેળવ્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાનો રાજકોટ અમદાવાદ હાઇવે ગોઝારો સાબિત થયો છે. છેલ્લા 42 દિવસમાં અલગ અલગ અકસ્માતોના પગલે 16 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આમ રાજકોટ અમદાવાદ હાઇવે છેલ્લા 42 દિવસમાં રક્તરંજીત સાબિત થયો છે. આજે વહેલી સવારે પણ બે ટ્રકો વચ્ચે અકસ્માતના પગલે જનસાળી ગામના પાટીયા નજીક બે ડ્રાઇવરો જીવતા ભૂંજાતા તેમના પણ મોત નિપજ્યા હતા.