Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ડોળિયા પાસે નવા બનાવેલા બ્રિજનો સાઈડનો ભાગ બેસી ગયો

Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ડોળિયા પાસે નવો બનાવેલો બ્રિજનો એક તરફની સાઈડનો ભાગ બેસી જતાં તાકીદે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયલાના ડોડીયા ચોકડી પાસેના બ્રીજનો સાઈડનો ભાગ બેસી જતા કામની ગુણવતાને લઈ સવાલો પણ ઉઠ્યા છે. હાલ તો તંત્ર દ્વારા તાબડતોડ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સિક્સલાઈનનો પહોળો બનાવીને વચ્ચે આવતા ગામડાઓ તેમજ ચારસસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં સાયલના ડોળિયા પાસે નવા બનાવેલા બ્રિજ પર એક ફુટ ડામર બેસી જતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તાજેતરમા એક મહિના પહેલા જ આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે બ્રિજની આવી નબળી કામગીરી સામે તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.

આ અંગે નેશનલ હાઈવેના ડેપ્યુટી ઈજનેરના કહેવા મુજબ આ ઓવરબ્રિજનો કોન્ટ્રાકટ પહેલા એક એજન્સીને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના કાળ શરૂ થતાં તે એજન્સી કામ પૂર્ણ કરી શકી નહોતી. ત્યારબાદ કોન્ટ્રાકટ અન્ય એજન્સીને આપવામાં આવ્યો હતો. આ એજન્સીએ  ઓવરબ્રીજનું પૂર્ણ કર્યુ હતુ. અત્યારે બ્રિજ સાઈડનો જે ભાગ બેસી ગયો છે. ત્યાં રિપેરિંગ કરી ત્યાં આડશ મૂકી બાકીનો પુલ ચાલુ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે સાયલા ગામના સરપંચે  જણાવ્યું કે સાયલાથી દશેક કિમી આવેલા ડોળીયા પાસેનો એક બાજુનો બ્રિજ જ બેસી ગયો હતો. અને એકાદ મહિના પહેલા જ તંત્ર દ્વારા આ બ્રીજ ચાલુ કરવામાં આવ્યો હતો. હાલ તો તંત્ર દ્વારા આ બ્રીજ રિપેરિંગ કરી સાઈડમાંથી ચાલુ કરી દેવામાં આવ્યો છે.