Site icon Revoi.in

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે સિંહનો જોતા વાહનોના પૈડા થંભી ગયા

Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ગામડાઓમાં તેમજ સીમ-વાડી ખેતરોમાં ગમે ત્યારે સિંહ જોવા મળી રહ્યા છે. હવે વરસાદી સીઝનમાં સિંહ પરિવાર સાથે હાઈવે પર પણ લટાર મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લાના રાજુલા-જાફરાબાદ પાસેથી પસાર થતા ભાવનગર-સોમનાથ હાઈવે પર મધરાતે સિંહ આવી ચડતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભી ગયા હતા.

અમરેલી સહિત રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે અમરેલી જિલ્લામાં સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રાજુલા-જાફરાબાદમાંથી પસાર થતા ભાવનગર નેશનલ હાઈવે પર મધરાતે વરસતા વરસાદમાં બે સિંહ આવી ચડ્યા હતા. જેના કારણે થોડીવાર માટે હાઈવે પરથી પસાર થતા વાહનોના પૈડાં થંભી ગયા હતા. જિલ્લામાં સિંહોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જંગલ વિસ્તાર નજીક આવેલા ગામડાઓ અને હાઈવે પર અવારનવાર સિંહની લટારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રહે છે. ત્યારે વધુ એક વીડિયો સાવરકુંડલાના જાબાળ ગામનો પણ વાઈરલ થયો હતો. જેમાં ચાર સિંહ રાત્રિના સમયે શિકારની શોધમાં ઘૂસ્યા હતા અને ગામના રસ્તાઓ પર આંટાફેરા કર્યા હતા. જાબાળા ગામે રાતે સિંહનું ટોળું આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

સાવરકુંડલાના જાબાળ ગામમાં રાત્રિના સમયે ઘૂસી આવેલા 4 સિંહો ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. ગામમાં ઘૂસી આવેલા સિંહોએ રખડતા પશુનું મારણ કર્યું હતું અને બાદમાં રસ્તા પર થઈને રેવન્યૂ વિસ્તાર તરફ ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં અનેક ગામડાઓ એવા છે રાત અને વહેલી સવારે સિંહો આરામથી ખુલા વાતાવરણમાં ફરી રહ્યા છે જંગલો છોડી હવે સિંહો રેવન્યુ વિસ્તારમાં સ્થાયી થયા બાદ ગામડાઓમાં શિકારની શોધમાં ભટકતા જોવા મળી રહ્યા છે. આ સિંહોના વનવિભાગ પાસે લોકેશન પણ હોય છે પરંતું હવે આ રૂટિન ઘટનાઓ થતી હોય તેમ દિનપ્રતિદિન આ પ્રકારની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી રહી છે.