રાજકોટઃ શહેરના સીમાડે આવેલા કણકોટ નજીક દીપડો જોવા મળતા આજુબાજુના લોકો તથા ખેડુતો ભય અનુભવી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલા વાગુદડ ગામ નજીક દીપડો દેખાયો હતો. ત્યારબાદ શનિવારે મુંજકા અને રવિવારે કણકોટ ગામ નજીક દીપડો જોવા મળ્યો હતો. આમ આ વિસ્તારમાં દીપડાંના આંટાફેરીથી ગ્રામજનો સીમ-ખેતરે જતાં ડર અનુભવી રહ્યા છે. અને આ અંગેની જાણ વન વિભાગને કરાતા દીપડાંને પકડવા માટે પાંજરો મુકવામાં આવ્યા છે.
રાજકોટ શહેરની ભાગોળે દીપડો દેખાયો હોવાની ચર્ચા છેલ્લા બે-ત્રણ દિવસથી વાયુવેગે ફેલાય રહી છે. ત્રણ દિવસ પહેલા રાજકોટ જિલ્લાના વાગુદડ નજીક દીપડાને ગ્રામજનોએ જોયા હોવાની માહિતી બાદ વન વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. પણ દીપડાનો કોઈ સગડ મળ્યા નહતા. ત્યારબાદ શનિવારે મુંજકા અને રવિવારે કણકોટ નજીક દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા બન્ને વિસ્તારમાં સર્ચ શરૂ કરી બન્ને જગ્યાએ પાંજરાં મૂકી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લોકોને ડરવાની જરૂર નથી એવી અપીલ કરવામાં આવી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક મુંજકા ગામમાં શનિવારે દીપડો દેખાયો હોવાની અને રવિવારના રોજ કાલાવડ રોડ પર કણકોટ ગામ નજીક દીપડો દેખાયાની માહિતી ગામ લોકો દ્વારા વન વિભાગને આપવામાં આવી હતી. જેને લઈ વન વિભાગ દ્વારા બન્ને જગ્યા પર દીપડાને પકડવા દીપડાના સગડ જોવા મળ્યા નથી. વનવિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્ચ કરવામાં આવી રહ્યું છે લોકોને અફવામાં ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી રહી છે.
વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, વાડી વિસ્તારમાં લોકોએ ખુલ્લામાં સૂવું ન જોઈએ, બાળકોને એકલા રમવા દેવા ન જોઈએ, તેમજ રાત્રિ દરમિયાન બંધ મકાનમાં સુવાનો આગ્રહ રાખવો અને પરપ્રાંતીય મજૂરો દ્વારા કોઈ માંસ, મચ્છી કે મટન રાંધે તો વધેલો ખોરાક ખુલ્લામાં ફેંકવાના બદલે દાટી દેવો જોઈએ. કારણ કે તેની દુર્ગંધથી દીપડો ત્યાં નજીક પહોંચી શકે છે.