અમદાવાદઃ ગુજરાતભરમાં ઉત્તરાણનું પર્વ રંગબેરંગી પતંગો ચગાવીને લોકોએ ભારે હર્ષોલ્લાસથી ઊજવ્યું હતું. સાથે પતંગની દોરીને લીધે દ્વીચક્રી વાહનો પરથી પડી જવાના, ધાબા પરથી પડવાના, પતંગો લૂંટવા જતાં અકસ્માત થયાના બનાવો પણ બન્યા હતા. ઉત્તરાણની મજા કેટલાંક લોકો માટે સજા બની હતી. પ્રતિબંધિત ચાયનીઝ દોરીથી ઘણાં લોકોનો જીવ જાય છે. રવિવારે ચાઈનીઝ દોરીથી નવ લોકો ઘવાયાં હોવાના બનાવ બન્યાં છે. જેમાં પંચમહાલના વાળીનાથ ગામ પાસે પતંગની દોરીએ એક માસૂમનો જીવ લીધો હતો. ગોધરા શહેરમાં ચાઈનીઝ દોરી ઘસાઈ જતા આઠ વ્યક્તિઓ ઇજાગ્રત થયા હતા, તો બે કિશોરોનો પગ લપસી જતાં નીચે પટકાયાં હતાં. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.
રાજ્યમાં ઉત્તરાણના દિને પતંગની દોરી વાગવાના, પતંગની દોરીને લીધે દ્વીચક્રી વાહનો પરથી પડી જવાના, ધાબા પરથી પડવાના, પતંગો લૂંટવા જતાં અકસ્માત થયાના બનાવો પણ બન્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામનો 5 વર્ષીય તરુણ માછી તેના પિતા સાથે થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લામાં તેના મામાના ઘરે ગયો હતો. જ્યાંથી આજે પિતા સાથે મોટરસાઈકલ ઉપર પરત ફરતા વચ્ચે આવતા વાળીનાથ ખારોલ ગામ પાસે પતંગની દોરી બાળકના ગળામાં આવી જતા માસૂમનું ગળું કપાયું હતું. બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની કોઠંબા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત ગોધરા શહેરમાં ચાઈનીઝ દોરી ઘસાઈ જતા ચાર વ્યક્તિઓ ઇજાગ્રત બન્યા હતા. ગોધરા શહેર માર્ગ ઉપર એક મોટરસાઈકલ ચાલકના ગળામાં દોરી ભરાઈ જતા તે ઇજાગ્રસ્ત થતા તેને ગોધરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. તેમજ ગોધરાના પથ્થર તલાવડી પાસે પણ એક મોટરસાઈકલ ચાલકને ગળામાં ઇજાઓ પહોંચી હતી. ગોધરા તાલુકાના મેહલોલ ગામે વણકર વાસમાં રહેતો વનરાજ પરમાર નામનો કિશોર પતંગ લૂંટવા જતા ધાબા પરથી નીચે પટકાયો હતો. કિશોરનો હાથ ભાંગી જતા તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાલોલ તાલુકાના ખંડોળી અને સમા ગામના ત્રણ લોકો મોટરસાયકલ લઇ કાલોલ ગોધરા માર્ગ ઉપર પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે મોટરસાઈકલ સામે પતંગ દોરી આવી જતાં મોટરસાઈકલ ચાલકે અચાનક બ્રેક મારી દેતા મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી. બાઇક ઉપર સવાર ત્રણ ઈસમો રોડ ઉપર પટકાતાં ત્રણેયને માથામાં ઇજાઓ થતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે ગોધરા તાલુકાના આઈડિયા ગામે કેનાલ પાસે પતંગ ચગાવી રહેલા કિશોરનો પગ લપસી જતા યુવક નીચે પટકાયો હતો. જેને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.