અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ ક્રિકેટ મેચ રોમાંચક બનશે. વિશ્વનું સૌથી મોટુ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિક્રેટરસિકોથી હાઉસફુલ બની જશે. માત્ર ગુજરાત જ નહીં પણ પાડોશી રાજ્યોમાંથી પણ ક્રિકેટરસિકો ઉમટી પડશે. વર્લ્ડકપની આ હાઈવોલ્ટેજ મેચ માટે ક્રિકેટરસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેચની ટિકિટો પણ ખતમ થઈ ચૂકી છે. આ મેચ નિહાળવા માટે મુંબઈથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો આવવાના હોવાથી તેમના માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન. 13 ઓક્ટોબરના રોજ મુંબઈ સેન્ટ્રલથી રાતે 9:30 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સવારે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે. તેમજ ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન. 15 ઓક્ટોબરે અમદાવાદથી 4 કલાકે ઉપડશે અને એજ દિવસે 12:10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનમાં AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ અને જનરલ કોચ હશે. આ બન્ને ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંક્શન પર થોભશે. આ બન્ને ટ્રેનો માટે 12 ઓક્ટોબરથી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર બુકિંગ શરૂ થશે. વધારે જાણકારી માટે www.enquiry.indianrail.gov.in નો સંપર્ક સાધવા જણાવાયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ભારત પાકિસ્તાનની વર્લ્ડકપ મેચના દિને મુંબઈ-અમદાવાદ વચ્ચે જે ખાસ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં ખાસ ટ્રેન અમદાવાદના કાળપુર સ્ટેશન સુધી નહી પણ સાબરમતી સ્ટેશન સુધી દોડાવવાની માગ ઊઠી છે. કારણ કે સાબરમતી રેલવે સ્ટેશનથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક છે. (file photo)