નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાના પ્રચાર-પ્રસારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી છે. તેમજ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ રેલીઓ અને સભાઓ ગજવી હતી. હવે અંતિમ તબક્કાનું મતદાન આગામી 1 જૂનના રોજ યોજાશે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસીમાં જે દિવસે મતદાન થશે તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં ધ્યાનમગ્ન બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ પંજાબના હોશયારપુરમાં રેલી યોજ્યા બાદ તમિલનાડુ જશે. જે બાદ 31 મેના રોજ કન્યાકુમારી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાના મતદાન પહેલા તમિલનાડુની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમગ્ન બનશે. પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેથી 1 જૂન સુધી રહેશે. પીએમ મોદી 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમગ્ન બનશે. આ મંડપ એ જ જગ્યાએ બાંધવામાં આવ્યો છે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પીએમ મોદી કેદારનાથ ગયા હતા. તે દરમિયાન તેણે રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. 2014 માં તેમણે શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આ પહેલા 30 મેના રોજ સવારે 11 વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાતનો આરામ કરશે.