અમદાવાદઃ શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા મા જગતજનની અંબાનું ધામ અંબાજી તેમજ શક્તિપીઠ ગણાતા પાવાગઢમાં આજે ચૈત્રી નવરાત્રીની આઠમના દિને માઈભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે આસુ સુદ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના અને વિશેષ પૂજા અર્ચનાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલુ છે ત્યારે મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ આરતી અને દર્શનનો લાભ લીધો હતો. જ્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢના મહાકાળી ધામમાં આજે ચૈત્રી નવરાત્રીના અઠમાં નોરતે માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજાના દર્શન કરવા માઇભકતોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારે મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. માતાજીના ભક્તોમાં આઠમના દિવસે મહાગૌરી સ્વરૂપના દર્શન કરવાની સાથે કન્યા પૂજનનું પણ મહત્વ હોવાથી આ દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.
ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવતી હોય છે. ત્યારે માઇભક્તો પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે. ત્યારે આજે ચૈત્રી નવરાત્રીના આઠમ ના દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોનું ધોડાપુર ઉમટી પડ્યું હતું. આજે ચૈત્રી નવરાત્રી આઠમના દિવસે માતાજીની આરતી વહેલી સવારે 6:00 કલાકે કરવામાં આવી હતી. જેમાં માતાજીનું મંદિર ભક્તોથી ઉભરાયું હતું. ભક્તિમય માહોલ વચ્ચે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં માઇ ભક્તો માતાજીની ભક્તિમાં ભક્તિમય થઈ મંગળા આરતીમાં જોડાયા હતા. મા જગત જનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવા માટે આજે વેહલી સવારથી જ ભક્તો મંદિરની લાઈનોમાં લાગી માતાજીની મગલા આરતીમાં પહોંચ્યા હતા.
અંબાજીની જેમ પાવાગઢમાં પણ ભાવિકો ઉમટી પડ્યા હતા. પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે માતાજીનો હવન કરવાની તૈયારીઓ વહેલી સવારે આરતી પછી કરવામાં આવી હતી. હવનનો લાભ લેવા અને માતાજીના અઠમાં સ્વરૂપના દર્શન કરવા ગત મોડી રાત્રીથી જ પાવાગઢ માચી ચાચાર ચોક અને ડુંગર ઉપર ભક્તોનો ધસારો પહોંચી ગયો હતો. વહેલી સવારે માઈભક્તોએ મંદિર તરફ પ્રસ્થાન કરતા દુધિયા તળાવ પગથિયાંથી મંદિર સુધીનો માર્ગ ભક્તોની ભીડથી ઉભરાઈ ગયો હતો.