Site icon Revoi.in

આઠમા નોરતે રાજ્યનાં અનેક શહેરોમાં વરસાદ પડતાં ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો

Social Share

નવરાત્રિના આઠમા નોરતે ગઇ કાલે રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ પડતાં ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઈ કાલે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યનાં 45 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. ખાસ કરીને સાંજનાં સમયે વરસાદ પડતાં ગરબાનાં સ્થળોએ પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં પડ્યો હતો. જ્યારે ગણદેવી તાલુકામાં પોણા બે ઇંચ, સુત્રાપાડા તાલુકામાં સવા ઇંચ અને ચીખલી, ખેરગામ, ભાવનગરના મહુઆ, સુરતના મહુઆ અને પલસાણા તાલુકામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.

અમારા ભાવનગરના પ્રતિનિધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ભાવનગરમાં બુધવારે રાત્રે અચાનક ભારે પવન ફુંકાતા શહેરના જવાહર મેદાનમાં રાજપથ નવરાત્રી કાર્યક્રમમાં ડોમમાંથી લોખંડની ગ્રીલ પડતા બે ખેલૈયાઓને ઇજા પહોંચી હતી. ગઇ કાલે સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વાલોડ તાલુકામાં ભારે પવન સાથે વરસાદી માહોલ વચ્ચે મંડપ ધરાશાયી થતાં નવરાત્રિનાં આયોજકો અને ખેલૈયાઓ નિરાશ થયા હતા.

અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે, દીવ ખાતે ગઈ કાલે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બપોર બાદ ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે, શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતાં ઊભા પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ખાસ કરીને ડાંગર, નાગલી, વરઈનાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કપરાડા તાલુકાના દાબખલ, સુથારપાડા સહિત સરહદની વિસ્તારમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સર્વત્ર વરસાદને લઈ ગરબા મહોત્સવ પર પર પણ અસર પડી હતી.

અમદાવાદમાં પણ ગઇ સાંજે અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસતાં આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રે ગરબા શરૂ થવાનાં સમયે જ વરસાદ શરૂ થતાં એસજી હાઇવે, વૈષ્ણોદેવી, સરખેજ, એસપી રિંગ રોડ, મણિનગર સહિતનાં પૂર્વનાં વિસ્તારોમાં ગરબાનાં મેદાન પર પાણી ફરી વળ્યું હતું. જોકે, ઘણાં સ્થળોએ ખૈલૈયાઓએ વરસતા વરસાદમાં ગરબાની મજા માણી હતી.

દરમિયાન, હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મોટાં ભાગનાં જિલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન સપાટી પર પવનની ગતિ પ્રતિ કલાક 30થી 40 કિલોમીટરની રહેશે.