Site icon Revoi.in

75મા ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો એટહોમ કાર્યક્રમ

Social Share

ગાંધીનગરઃ 75મા ગણતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ  રાજકુમાર, રાજ્ય પોલીસવડા  વિકાસ સહાય વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે રાજ્યપાલએ સૌને 75મા ગણતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. એટહોમ કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશ અત્યારે ઉન્નતિના માર્ગે અગ્રેસર બની રહ્યો છે. રામ મંદિરની સ્થાપના સાથે દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણનો સંકલ્પ પણ  સાકાર થયો છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જૂનાગઢ એ પાવન અને ઐતિહાસિક નગર છે. આ નગર ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના પૌત્ર અશોકનું રાજ્યનો ભાગ રહ્યું હતું. હજારો  વર્ષ સુધી પ્રતાપી રાજાઓના નેતૃત્વમાં આગળ વધતા આ પરંપરા મુગલ શાસન અને અંગ્રેજ શાસન સુધી ફેલાયેલી છે. ગુલામીના કાળખંડમાંથી બહાર લાવવા માટે અને આપણને સ્વતંત્રતા અને મુક્તિ અપાવવા માટે જે ક્રાંતિકારીઓએ પોતાના જીવ અર્પણ કર્યા છે, તેમને યાદ કરવાનો આ અવસર છે. આ ક્રાંતિકારીઓએ પોતાની સુખ સાહ્યબી ત્યાગીને દેશની ગરિમા વધારવા માટે કંટકો ભર્યો મુશ્કેલ માર્ગ પસંદ કર્યો હતો. જેમણે ફાંસીના ફંદાને ચૂમ્યો તેવા ક્રાંતિકારીઓને પ્રણામ કરવાનો અવસર છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત આજે ચારેય દિશામાં સર્વાંગી વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ છેલ્લા 10 વર્ષથી આંતરમાળખાકીય વિકાસ, શિક્ષણ, ઉદ્યોગમાં અપ્રતિમ વિકાસ સાધી રહ્યો છે. એક સમય એવો હતો કે, જ્યારે આર્મીના ટ્રક આયાત કરવા પડતા હતા, જ્યારે આજે દેશમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર, કાર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તે દેશની ગૌરવસિદ્ધિ છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. થયા છે. ગુજરાત સેમી કન્ડક્ટર ક્ષેત્રે એમ.ઓ.યુ. કરીને નવીન ક્ષેત્રે ખેડાણ કરી રહ્યું છે. ગુજરાતમાં એટ હોમ સમારોહ પ્રતિ વર્ષ જુદા જુદા જિલ્લામાં કરવાની અનોખી પરંપરા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાપિત કરી હતી. જ્યારે દેશના અન્ય ભાગોમાં આજે પણ માત્ર રાજભવનમાં જ તેની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે ગુજરાતે એટ હોમની કાર્યક્રમની ઉજવણી માટે પણ દેશના અન્ય રાજ્યોને રાહ ચીંધ્યો છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામ આપણા સૌના પૂર્વજ છે, તેમના જીવનમૂલ્યો આપણા ઘરોમાં અપનાવાય તો અહીં જ સ્વર્ગ બનશે અને સુખ શાંતિની સ્થાપના થશે. આ ભારતીય જીવનદર્શન છે. આજનો સમય ગુલામીની માનસિકતામાંથી ઉપર ઊઠીને, સંસ્કૃતિ, વેશભૂષા, ખાનપાન, જીવનશૈલી પર ગૌરવ કરવાનો સમય છે.