બહુચરાજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખૂલતા પ્રથમ દિવસે દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
મહેસાણાઃ જિલ્લામાં સુપ્રસિદ્ધ બહુચર માતાજીનું મંદિર આવેલું છે. રોજબરોજ અનેક ભાવિકો દર્શન માટે આવતા હોય છે. પણ કોરોનાને લીધે 15 દિવસથી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. હવે કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો થતા ફરીવાર મંદિર આજે 1લી ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. જોકે આજે દર્શનાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી.
જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી મંદિર તેમજ શંખલપુર મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની સૂચનાઓ તથા એસઓપીને ધ્યાને લઈને અગાઉ 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવનો નિર્ણય કરાયો હતો. જ્યારે આજે મંદિર ખૂલતાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.
આજથી શક્તિપીઠ બહુચરાજી મંદિરના દ્વાર દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. આજથી સવારે 7થી સાંજે 6:45 સુધી દર્શન માટે મંદિર ખૂલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી હતી..જોકે ભક્તોને સવારની અને સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. દર્શનાર્થીઓએ તેમજ ભાવિક ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સહિત કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આજે મંદિરના દ્વાર ખુલતા પ્રથમ દિવસે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.