Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાનો પ્રથમ દિવસ, રાજ્યપાલના પ્રવચન ટાણે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો

Social Share

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થયો હતો. આવતીકાલે ગૃહમાં બજેટ રજુ કરાશે, આજે ગૃહમાં પ્રથમ દિવસે  રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’,  ગૃહમંત્રી રાજીનામું આપે.ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસનો હોબાળો પણ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલા નાના ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થતાં પ્રતિકાત્મક વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યારે શૈલેસ પરમારે જણાવ્યું કે, સરકારનો પેપરલીક કાંડ અને પોલીસનો ખંડણી કાંડના મુદ્દે ચર્ચા કરીશું. વિધાનસભા ગૃહના માહોલની વાત કરીએ તો ત્યાં ભાજપના સભ્યો શાંત જોવા મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયેલા હતા. કેટલાક સભ્યો પોતાની બેઠક છોડી વેલ તરફ ઘસી ગયા હતા. કોંગ્રેસે વિવિધ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો કર્યો હતા. અને  ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરી હતી. કોંગ્રેસે ગૃહમાં  ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયાનું રાજ ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી રાજ્યપાલે પોતાનું ભાષણ ટુંકાવવાની ફરજ પડી હતી. આ દરમિયાન પણ કોંગ્રેસના સૂત્રોચ્ચાર યથાવત રહ્યા હતા. જેથી રાજયપાલ ગૃહમાંથી રવાના થયા હતા.

ગુજરાતની ચૌદમી ગુજરાત  વિધાનસભાના છેલ્લા સત્રનો પ્રારંભ આજથી થયો હતો. આ બજેટ સત્રમાં રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ છે. જ્યારે વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું વિધાનસભા સત્ર છે. તેમજ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ માટે પણ આ પહેલું જ બજેટ છે. વર્ષે 2022નું ચૂંટણીનું વર્ષ છે ત્યારે, રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર ફૂલ ગુલાબી બજેટ રજુ કરે તેવી શક્યતા છે. ત્યારે વિપક્ષ દ્વારા પણ સરકારને વિધાનસભા ગૃહમાં ઘેરવા માટે પેપર લીક કાંડ, જમીન કૌભાંડ, રાજકોટ તોડકાંડ જેવા સળગતા મુદ્દાઓ  ઉઠાવવામાં આવશે.

આજે  ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન બાદ ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકર, ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન દ્રારકાદાસ પટેલ તથા ગુજરાત રાજયના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. પ્રતાપસિંહ હીરાભાઇ પટેલ, સ્વ. વ્રજલાલ દુર્લભજી જાની, સ્વ. અમૃતલાલ કાળીદાસ પટેલ અને સ્વ. ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહીલ, તથા ગુજરાત રાજયના પૂર્વ સભ્ય સ્વ. અંબાલાલ જયશંકર ઉપાધ્યાય, સ્વ. જગદીશચંદ્રજી દૌલજીભાઈ ડામોર અને સ્વ. મોરૂભા જેમાં ચૌહાણના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો  કરવામાં આવ્યા હતા.