વેરાવળઃ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન સોમનાથ મહાદેવની ધર્મધ્વજાના અહર્નિશ દર્શન કરનારા ભક્તોમાં મહાદેવની ધ્વજા પૂજાનું પણ અદભુત આકર્ષણ જોવા મળ્યું છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને 51 ધ્વજા પૂજા કરવામાં આવી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધીવિધાનથી ધ્વજા પૂજન કરીને ભક્તોએ સોમનાથ મહાદેવના પરમ સાનિધ્યનો અનુભવ કર્યો હતો. કોરોના મહામારી બાદ લોકોમાં આસ્થા વધુ સુદ્રઢ બની હોય તે ગત વર્ષોમાં શ્રદ્ધાળુઓમાં વધતી સંખ્યા અને પૂજા કાર્ય પ્રત્યેના ઉત્સાહ થી અનુભવી શકાય છે. ઉલ્લેખનીય છે કે સાંજે 7:00 વાગ્યા સુધીમાં 44 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.